- પ્રાણીઓના પાંજરા, વેટરનરી હોસ્પિટલ અને ખોરાક સંગ્રહ વ્યવસ્થાનું નિરીક્ષણ કરાયું, જાન્યુઆરી 2024ના સૂચનોમાંથી 90 ટકા પૂર્ણ થયાનો VMCનો દાવો
વડોદરાના ઐતિહાસિક સયાજીબાગ ઝૂ ખાતે સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી (CZA) દ્વારા ત્રિ-દિવસીય વૈધાનિક મૂલ્યાંકન હાથ ધરવામાં આવ્યું હતું. વન્યજીવ અધિનિયમ, 1972ની કલમ 38-H અને રેકગ્નિશન ઓફ ઝૂ રૂલ્સ, 2009 હેઠળ ઝૂની માન્યતાના રિન્યુઅલ અંગે નિર્ણય લેવાની ઔપચારિક પ્રક્રિયાના ભાગરૂપે આ સમીક્ષા કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે સયાજીબાગ ઝૂની અગાઉની માન્યતા 9 સપ્ટેમ્બર, 2026 સુધી માન્ય હતી.
સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી દ્વારા નિયુક્ત નિવૃત્ત IFS અધિકારી અને મહારાષ્ટ્ર કેડરના ભૂતપૂર્વ અગ્ર મુખ્ય વન સંરક્ષક મુવ્વલા કોંડાલા રાવ (એમ. કે. રાવ) એ ત્રણ દિવસ દરમિયાન ઝૂની સુવિધાઓ, વન્યપ્રાણી પાલન પદ્ધતિઓ, પશુચિકિત્સા સંભાળ અને એકંદર વ્યવસ્થાપન ધોરણોની સઘન તપાસ કરી હતી. તેમણે પ્રાણીઓના એન્ક્લોઝર્સ, વેટરનરી હોસ્પિટલ, ક્વોરેન્ટાઇન સુવિધાઓ, ફીડ સ્ટોર્સ, એનરિચમેન્ટ પહેલ, મુલાકાતીઓ માટેની સુવિધાઓ, સંરક્ષણ શિક્ષણ કાર્યક્રમો તેમજ વહીવટી રેકોર્ડ્સનું નિરીક્ષણ કર્યું હતું. આ સાથે જ ઝૂના અધિકારીઓ, વેટરનરી ડોક્ટર્સ તથા એનિમલ કીપર્સ સાથે વન્યપ્રાણી કલ્યાણ અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી.
ત્રિ-દિવસીય મૂલ્યાંકન પૂર્ણ થયા બાદ હવે શ્રી એમ. કે. રાવ દ્વારા વિગતવાર અહેવાલ સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીને સુપરત કરવામાં આવશે, જેના આધારે CZA દ્વારા જરૂરી સૂચનો સાથે ઝૂને ટૂંક સમયમાં જાણ કરવામાં આવશે. વડોદરા મહાનગરપાલિકા (VMC) ની અખબારી યાદી મુજબ, જાન્યુઆરી 2024માં થયેલા અગાઉના મૂલ્યાંકન દરમિયાન CZA દ્વારા આપવામાં આવેલા સૂચનો પૈકી અંદાજે 90 ટકા સૂચનોની પૂર્તતા ઝૂ દ્વારા કરી દેવામાં આવી છે.


