યુસુફ પઠાણને જમીન ફાળવણીના નિર્ણય સામે વડોદરા કોંગ્રેસ મેદાનમાં, જનઆંદોલન અને કાયદાકીય લડતની જાહેરાત

સ્થાનિક મહિલા ક્રિકેટરોને રમતગમતની સુવિધા નહીં મળતી હોવાનો કોંગ્રેસનો આક્ષેપ

MailVadodara.com - Vadodara-Congress-opposes-the-decision-to-allot-land-to-Yusuf-Pathan-announces-a-public-agitation-and-a-legal-battle

- રૂ.20 કરોડની જમીન સ્પેશિયલ કેસમાં આપવાના નિર્ણયને પ્રજાવિરોધી ગણાવ્યો

- હરણી બોટકાંડના પીડિતોને ન્યાય અને વળતર ન મળ્યાનો સવાલ ઉઠાવ્યો

વડોદરા મહાનગરપાલિકા (VMC) દ્વારા પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણને રૂ.20 કરોડની કિંમતની જમીન ખાસ કિસ્સામાં ફાળવવાના નિર્ણય સામે વડોદરા શહેર-જિલ્લા કોંગ્રેસે આકરો વિરોધ નોંધાવ્યો છે. કોંગ્રેસના નેતાઓએ આ નિર્ણયને પ્રજા વિરોધી અને રાજકીય લાભ માટે લેવાયેલો ગણાવી આગામી દિવસોમાં જનઆંદોલન તથા કાયદાકીય લડત ચલાવવાની જાહેરાત કરી છે.

પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસ શહેર પ્રમુખ ઋત્વિજ જોશીએ જણાવ્યું હતું કે, છેલ્લા 30 વર્ષના ભાજપના શાસનમાં વડોદરાની સ્થિતિ કથળી છે અને શહેરીજનોને બે ટાઈમ પૂરતું ચોખ્ખું પાણી પણ મળતું નથી. તેમણે જણાવ્યું કે અગાઉ યુસુફ પઠાણ સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કરવાની માંગ કરનાર ભાજપના નેતાઓએ દિલ્હીમાં સત્તા ટકાવવા અને સાંસદોના સમર્થનના ગણિત વચ્ચે 'સ્પેશિયલ કેસ' બનાવીને પ્રજાના પરસેવાની કમાણીમાંથી રૂ.20 કરોડની જમીન ફાળવી આપી છે.

કોંગ્રેસે વહીવટી તંત્ર પર ભેદભાવનો આક્ષેપ કરતાં કહ્યું કે ટીપી સ્કીમ નંબર 22 હેઠળ સહકારનગર અને સંજયનગર જેવા વિસ્તારોમાં ગરીબ પરિવારોના મકાનો તોડી પાડવામાં આવ્યા હોવા છતાં તેમને દસ વર્ષથી વધુ સમયથી પાકા મકાન કે ભાડાની વ્યવસ્થા મળી નથી. ઉપરાંત, હરણી બોટકાંડના પીડિત પરિવારોને 34 મહિના વીતી ગયા છતાં ન્યાય કે વળતર મળ્યું નથી, જ્યારે શહેરનું નામ રોશન કરનાર સ્થાનિક ખેલાડીઓ અને મહિલા ક્રિકેટરોને એકેડેમી માટે જગ્યા આપવામાં આવતી નથી.

આ મામલે કોંગ્રેસે સ્પષ્ટ કર્યું છે કે, આવા નિર્ણયો સામે પાર્ટી દ્વારા અગાઉ પણ સ્ટેન્ડિંગ કમિટી બહાર અને રસ્તા પર વિરોધ પ્રદર્શનો કરવામાં આવ્યા છે. હવે આગામી દિવસોમાં જનજાગૃતિ અભિયાન સાથે કાયદાકીય લડત લડવામાં આવશે તેમજ સફાઈ, ઘનકચરા અને વીજીએલ (VGL) સહિતના શહેરના અન્ય પ્રશ્નોને લઈને પણ કોંગ્રેસ દ્વારા આંદોલન છેડવામાં આવશે.

Share :

Leave a Comments