- ઓશિયા મોલ પાસે બનેલી ઘટનામાં સોફા, ટીવી અને ફર્નિચર બળીને ખાખ, સ્થાનિકોએ ફાયર સેફ્ટી સાધનોથી આગ ફેલાતી અટકાવી
વડોદરાના ગોત્રી વિસ્તારમાં ઓશિયા મોલની બાજુમાં આવેલા લોટસ અલાઈટ કોમ્પ્લેક્સ સ્થિત 'રોઝબેરી સ્પા'માં શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાની ઘટના બની હતી. આગને પગલે સ્પાના ફર્નિચર સહિતના સામાનને મોટું નુકસાન પહોંચ્યું હતું. આગ એટલી વિકરાડ હતી કે આગના ગોટેગોટા જોવા મળ્યા હતા. ફાયર પહોંચે તે પહેલા સ્પામાં રહેલ સામાન મોટાભાગે બળીને ખાખ થઈ ગયો હતો.
ઘટનાની જાણ થતાં જવાસણા ફાયર બ્રિગેડનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો. ફાયર ફાઇટરોએ પાણીનો મારો ચલાવી ગણતરીના સમયમાં આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો હતો અને ત્યારબાદ કૂલિંગની કામગીરી હાથ ધરી હતી. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હોવાથી તંત્ર અને સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
આ અંગે વાસણા ફાયર સ્ટેશનના સર સૈનિક નિકુંજ મોદીએ જણાવ્યું હતું કે, ફાયર બ્રિગેડ પહોંચે તે પહેલાં સ્થાનિક લોકોએ કોમ્પ્લેક્સમાં ઉપલબ્ધ ફાયર સેફ્ટીના સાધનોનો ઉપયોગ કરી આગને વધુ ફેલાતી અટકાવી હતી, જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી.
આ ઘટનામાં સ્પાના આગળના ભાગમાં રહેલા સોફા સેટ, એલઈડી ટીવી, લાકડાનું ટેબલ અને ખુરશી સહિતનો સામાન બળીને ખાક થઈ ગયો હતો, જ્યારે પાછળના ભાગે બનાવેલા કિચન સુધી આગ પહોંચી ન હતી. અધિકારીએ ઉમેર્યું હતું કે સ્પામાં વેન્ટિલેશનની પૂરતી વ્યવસ્થા ન હોવાથી ધુમાડો ભરાઈ ગયો હતો, જે ધીમે-ધીમે બહાર નીકળી રહ્યો છે. સદનસીબે આ ઘટનામાં આસપાસની દુકાનો કે ઉપરના માળને કોઈ નુકસાન થયું નથી અને હાલ સ્થિતિ સંપૂર્ણ નિયંત્રણ હેઠળ છે.


