વડોદરા જિલ્લાના પોર ગામમાં સાયબર ઠગોએ મોબાઇલ હેક કરીને બેંક એકાઉન્ટમાંથી રૂ.1.52 લાખ સેરવી લેતાં ચકચાર મચી છે. આશ્ચર્યની વાત એ છે કે ભોગ બનનાર વ્યક્તિએ કોઈની સાથે OTP કે અન્ય બેંકિંગ માહિતી શેર કરી નહોતી, તેમ છતાં માત્ર 15 મિનિટના સમયગાળામાં ત્રણ અલગ-અલગ UPI ટ્રાન્ઝેક્શન મારફતે નાણાં ઉપાડી લેવામાં આવ્યાં હતાં.
સાયબર ઠગો હવે મોબાઇલ હેક કરીને બેંક ખાતામાંથી નાણાં સેરવી લેવાની નવી તરકીબ અપનાવી રહ્યા છે. પોર ગામની ગોવિંદપાર્ક સોસાયટીમાં રહેતા અને ડ્રાઇવિંગ વ્યવસાય સાથે સંકળાયેલા 45 વર્ષીય અમૃતભાઈ દિલીપભાઈ બેહેરે સાથે આવી જ છેતરપિંડી થઈ હોવાનું સામે આવ્યું છે. ગત 23 ઓક્ટોબરના રોજ સાંજે 4થી 4.15 વાગ્યાના સમયગાળા દરમિયાન અજાણ્યા શખસે તેમનો મોબાઇલ ફોન હેક કરી બેંક ઓફ બરોડાની પોર શાખામાં આવેલા તેમના ખાતામાંથી ત્રણ અલગ-અલગ UPI ટ્રાન્ઝેક્શન દ્વારા નાણાં ટ્રાન્સફર કરી લીધાં હતાં.
પ્રથમ ટ્રાન્ઝેક્શનમાં રૂ.75 હજાર, બીજા ટ્રાન્ઝેક્શનમાં રૂ.73 હજાર અને ત્રીજા ટ્રાન્ઝેક્શનમાં રૂ.4 હજાર મળી કુલ રૂ.1.52 લાખ અન્ય ખાતાઓમાં ટ્રાન્સફર કરી લેવામાં આવ્યા હતા. ડ્રાઇવર કોઈપણ પ્રકારની માહિતી કે OTP શેર કર્યો ન હોવા છતાં ખાતામાંથી રકમ ઉપડી જતાં તેઓ ચોંકી ઊઠ્યા હતા. આ અંગે તેમણે સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 પર ફરિયાદ નોંધાવી હતી. વરણામા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


