- શારીરિક મુશ્કેલીઓને પાછળ છોડી સ્વિમિંગ ક્ષેત્રે રાષ્ટ્રીય સ્તરે આગવી ઓળખ ઊભી કરી
- ગરીમા વ્યાસે અત્યાર સુધીમાં રાષ્ટ્રીય કારકિર્દીમાં 10 સુવર્ણ, ચાર રજત અને ચાર કાંસ્ય ચંદ્રકો મેળવ્યા, રાજ્ય કક્ષાએ પણ આઠ સુવર્ણ ચંદ્રકો પોતાના નામે કર્યા છે
વડોદરાની આંતરરાષ્ટ્રીય પેરા સ્વિમર ગરિમા વ્યાસે પોતાની અદમ્ય ઇચ્છાશક્તિ અને મહેનતના બળે વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે. ભોપાલ ખાતે 12થી 15 નવેમ્બર દરમિયાન યોજાયેલી 26મી રાષ્ટ્રીય પેરા સ્વિમિંગ ચેમ્પિયનશિપ 2026-27માં ગરિમાએ વ્યક્તિગત સ્પર્ધાઓમાં એક સુવર્ણ અને એક રજત ચંદ્રક જીતીને વડોદરા અને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. આ સિદ્ધિ સાથે રાષ્ટ્રીય સ્તરે તેમના કુલ ચંદ્રકોની સંખ્યા 18 થઈ છે.

ગરિમાએ અત્યાર સુધીમાં રાષ્ટ્રીય સ્તરે 10 સુવર્ણ, ચાર રજત અને ચાર કાંસ્ય ચંદ્રક મેળવ્યા છે. આ ઉપરાંત રાજ્ય કક્ષાએ પણ તેમના નામે આઠ સુવર્ણ ચંદ્રકો નોંધાયેલા છે. અત્યાર સુધીમાં તેઓ ચાર આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ભાગ લઈ ચૂક્યાં છે. વ્હીલચેરનો ઉપયોગ કરવા છતાં સ્વિમિંગ ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું પ્રતિનિધિત્વ કરતી તેઓ એકમાત્ર મહિલા પેરા સ્વિમર છે.
ગરિમાની સફળતાની સફર સંઘર્ષ અને સંકલ્પશક્તિનું ઉદાહરણ છે. વ્યવસાયે કન્સલ્ટિંગ સાઇકોલોજિસ્ટ ગરિમાને વર્ષ 2016માં પાવાગઢની પહાડીઓમાં ટ્રેકિંગ દરમિયાન સ્પાઇનલ કોર્ડ ઇન્જરી થઈ હતી. આ અકસ્માત બાદ તેમને વ્હીલચેરનો ઉપયોગ કરવો પડ્યો હતો. જોકે, શારીરિક મુશ્કેલીને પોતાની પ્રગતિમાં અવરોધ બનવા દીધા વિના તેમણે સ્વિમિંગ પ્રત્યેનો શોખ જાળવી રાખ્યો અને સતત મહેનતથી રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની ઓળખ ઊભી કરી છે. હાલમાં ગરિમા વડોદરાના સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત (SAG)ના કોચ વિવેક સિંહ બોરાલિયા અને કૃષ્ણા પંડ્યાના માર્ગદર્શન હેઠળ તાલીમ લઈ રહ્યાં છે. તેમની તૈયારીમાં અંકુર સૈની, ફિટનેસ કોચ ડૉ. નેહા કર્ણિક અને ન્યુટ્રિશનિસ્ટ પંક્તિ જરીવાલા શાહનો પણ સહયોગ મળી રહ્યો છે. મુશ્કેલ સંજોગો વચ્ચે પણ સતત સફળતાના શિખરો સર કરતી ગરિમાની સિદ્ધિ અન્ય ખેલાડીઓ માટે પ્રેરણારૂપ બની છે.


