- સ્ટેટ હાઇવે વિભાગે અગાઉ ડામરનું થીગડું મારી સમારકામ કર્યું હતું, રાત્રિના અંધારામાં વાહનો પટકાવા સાથે નાના અકસ્માતો વધી રહ્યા છે
ડભોઇ પંથકમાં માર્ગ અને મકાન (સ્ટેટ હાઇવે) વિભાગના અધિકારીઓની ઘોર બેદરકારી અને કોન્ટ્રાક્ટરની નબળી કામગીરીનો વધુ એક નમૂનો સામે આવ્યો છે.

ડભોઇથી થરવાસા તરફ જતા માર્ગ પર વાહનચાલકોની સુવિધા માટે બનાવવામાં આવેલો રેલવે ઓવરબ્રિજ હાલ અત્યંત જર્જરિત અને જોખમી હાલતમાં ફેરવાઈ ગયો છે. બ્રિજ પર મસમોટા ખાડા પડી જવાના કારણે હવે લોખંડના સળિયા પણ બહાર દેખાવા લાગ્યા છે, જે મોટા અકસ્માતની ભીતિ સર્જી રહ્યા છે
મળતી વિગતો અનુસાર, આ ઓવરબ્રિજ પર અગાઉ પડેલા ખાડાઓને પૂરવા માટે તંત્ર દ્વારા આરસીસી રોડ પર ડામરનું થીગડું મારીને કામ ચલાવી લેવાયું હતું. પરંતુ ચોમાસું પૂર્ણ થયાને લાંબો સમય વીતી ગયો હોવા છતાં સ્ટેટ હાઇવે વિભાગ દ્વારા બ્રિજનું કોઈ પણ પ્રકારનું યોગ્ય સમારકામ કરાયું નથી. જેથી બ્રિજ બિસમાર બન્યો છે.
સ્થાનિક નાગરિકોમાં એવો રોષ જોવા મળી રહ્યો છે કે સ્ટેટ હાઇવે વિભાગના જવાબદાર અધિકારીઓ સ્થળ પર આવીને પરિસ્થિતિની સમીક્ષા કરવાની પણ તસ્દી લેતા નથી. દર વર્ષે ચોમાસા દરમિયાન અને ત્યારબાદ માર્ગોનું નિયમિત રિપેરિંગ કામ કરવાનું હોય છે, પરંતુ અહીં કોન્ટ્રાક્ટર દ્વારા ગુણવત્તા વિનાનું કામ કરાયું હોવાનું સ્પષ્ટ જણાઈ રહ્યું છે.

જો આ બિસમાર ઓવરબ્રિજના કારણે કોઈ મોટી જાનહાનિ કે ગંભીર અકસ્માત સર્જાશે તો તેની સંપૂર્ણ જવાબદારી કોની રહેશે તેવો સવાલ પ્રજામાં ઉઠી રહ્યો છે. હવે જોવાનું એ રહ્યું કે કુંભકર્ણની નિદ્રામાં પોઢેલું તંત્ર ક્યારે જાગે છે, ક્યારે આ જોખમી ખાડા પુરાય છે અને બહાર નીકળેલા સળિયાનું સમારકામ થાય છે.
હાલ બ્રિજની સપાટી સંપૂર્ણપણે ઉખડી ગઈ છે અને ઠેર-ઠેર જીવલેણ ખાડા પડી ગયા છે, જેમાંથી લોખંડના સળિયા બહાર ડોકિયાં કરી રહ્યા છે. આ માર્ગ પરથી દરરોજ મોટી સંખ્યામાં નાના-મોટા વાહનોની અવરજવર રહે છે. બ્રિજની આ બિસમાર હાલતને કારણે વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને રાત્રિના સમયે પૂરપાટ ઝડપે આવતા વાહનચાલકોને અંધારામાં આ ઊંડા ખાડા અને સળિયા દેખાતા ન હોવાથી વાહનો પટકાવાના અને નાના-મોટા અકસ્માતો સર્જાવાના બનાવો બની રહ્યા છે.


