- પીવાના પાણીની લાઇનમાંથી જીવાતોવાળું પાણી આવતું હોવાની ફરિયાદ
- કોર્પોરેશનના કર્મચારીઓ નિરીક્ષણ કરીને જતા રહેતા હોવાનો રહીશોનો આક્ષેપ
સમામાં આવેલી વ્રજ વાટિકા સોસાયટીના રહીશો છેલ્લા ચાર વર્ષથી દૂષિત પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. સોસાયટીમાં પીવાના પાણીની લાઇનમાંથી પીળાશ પડતું અને જીવાતો ધરાવતું પાણી આવતું હોવાની રહીશોએ ફરિયાદ કરી છે.
સોસાયટી દ્વારા આ મામલે અવારનવાર મ્યુનિ.કોર્પોરેશનના અધિકારી અને સ્થાનિક કાઉન્સિલરને રજૂઆતો કરાઈ છે. રહીશોનું કહેવું છે કે ફરિયાદ કર્યા બાદ કોર્પોરેશનના કર્મચારીઓ સ્થળ પર આવે છે, સ્થિતિનું નિરીક્ષણ કરે છે, પરંતુ કોઈ નક્કર કાર્યવાહી કર્યા વિના પરત જતા રહે છે. પરિણામે સમસ્યા યથાવત્ રહે છે અને રહીશોને કાયમી ઉકેલ મળતો નથી. વધુમાં ઉમેર્યું કે આસપાસની અનેક સોસાયટીઓમાં પણ આવી જ પાણીની સમસ્યા છે. કોર્પોરેશનની સ્થાયી સમિતિના ચેરમેનનો આ વિસ્તાર હોવા છતાં અહીંના રહીશોને પીવાના શુદ્ધ પાણી માટે વલખાં મારવા પડી રહ્યાં હોવાનું જણાવાયું છે.


