હરણીમાં આવાસ યોજનાના મકાનના નામે 8.50 લાખની છેતરપિંડી, 3 આરોપી સામે હરણી પોલીસમાં ગુનો દાખલ

સરકારી આવાસ યોજનાના નામે બનાવટી દસ્તાવેજો તૈયાર કરી વિશ્વાસ સંપાદન કરાયું

MailVadodara.com - Fraud-of-Rs-8-50-lakh-in-the-name-of-a-housing-scheme-unit-in-Harni-case-registered-at-Harni-Police-Station-against-3-accused

- મોટનાથ રેસીડેન્સીના F-ટાવરનું મકાન નંબર 106 સસ્તા ભાવે અપાવવાની લાલચ આપી રકમ પડાવી

- VMCના બનાવટી ગોળ સિક્કા મારી નકલી દસ્તાવેજો પધરાવ્યા

વડોદરાના હરણી વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ સસ્તા દરે મકાન અપાવવાની લાલચ આપી 8,50,000ની છેતરપિંડી અને વિશ્વાસઘાત કર્યા હોવાની ઘટના સામે આવી છે. આ મામલે હરણી પોલીસ સ્ટેશનમાં ત્રણ આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેમાં ફરિયાદી અને સાહેદ વાંસતીબેન પાસેથી રોકડા તથા બેંક મારફતે રકમ પડાવવામાં આવી હોવાનું પોલીસ ચોપડે નોંધાયું છે.

પોલીસ ફરિયાદ મુજબ આરોપીઓએ ફરિયાદી અને સાહેદ વાંસતીબેનનો સંપર્ક કરી હરણી ખાતે આવેલી મોટનાથ રેસીડેન્સી સ્થિત પ્રધાનમંત્રી આવાસ યોજનાના F-ટાવરના મકાન નંબર 106નો સસ્તા દરે સોદો કરાવી આપવાની લાલચ આપી હતી. આ મકાન પેટે આરોપીઓએ રોકડ અને બેંક ટ્રાન્સફર મારફતે કુલ 8,50,000 મેળવી લીધા હતા. ત્યારબાદ વિશ્વાસ કેળવવા માટે ભાયલીસેવાસી કેનાલ ખાતેની ઓફિસ તથા સમા મામલતદાર કચેરી ખાતે બોલાવી વિવિધ ડ્રાફ્ટિંગ પર સહીઓ પણ કરાવી હતી.

પૈસા પડાવી લીધા બાદ આરોપીઓએ બાનાખત, દસ્તાવેજ, ડિક્લેરેશન ફોર્મ, રજિસ્ટ્રેશન પહોંચ અને ઇન્ડેક્ષ સહિતના દસ્તાવેજો તૈયાર કર્યા હતા અને તેના પર વડોદરા મહાનગર સેવા સદન (VMC)ના ખોટા અને બનાવટી ગોળ સિક્કા મારી ફરિયાદીને પધરાવી દીધા હતા. જોકે, આ દસ્તાવેજો નકલી હોવાનું જણાતા પોતાની સાથે ઠગાઈ થઈ હોવાનો અહેસાસ થયો હતો. આ મામલે હરણી પોલીસે ઝુલ અશોકભાઈ બારોટ, કશ્યપ રાકેશભાઈ જોષી અને અક્ષય રમણભાઈ સોલંકી વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Share :

Leave a Comments