વાઘોડિયા બ્રિજ પાસેથી મોબાઇલ ટાવરના કોપર વાયર ચોરી કરતી ટોળકીનો આરોપી મુદ્દામાલ સાથે ઝડપાયો

મોબાઇલ ટાવરોના કોપર કેબલ ચોરીકાંડમાં આંતરજિલ્લા ટોળકીનો પર્દાફાશ

MailVadodara.com - A-member-of-a-gang-stealing-copper-wires-from-a-mobile-tower-near-the-Waghodia-Bridge-was-caught-with-the-stolen-items

- આરોપી વિશાલ રમેશભાઈ રાજપૂતની ધરપકડથી 12થી વધુ ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલાયો, પોલીસે મોપેડ અને મોબાઇલ સહિત રૂ.93,050નો મુદ્દામાલ કબજે કર્યો

વડોદરા ક્રાઇમ બ્રાન્ચે રાજ્યભરમાં મોબાઇલ ટાવરોમાંથી કોપરના કેબલની ચોરી કરતી ટોળકીના એક આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસે અમદાવાદના વિશાલ રમેશભાઇ રાજપૂત નામના શખસને વાઘોડિયા બ્રિજ નજીકથી શંકાસ્પદ કોપરના વાયરો સાથે ઝડપી પાડ્યો હતો. પ્રાથમિક તપાસમાં આરોપીએ છેલ્લા 7થી 8 મહિનામાં ગુજરાતના અલગ-અલગ જિલ્લાઓમાં આવેલા મોબાઇલ ટાવરોને નિશાન બનાવી કોપરના વાયરોની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. પોલીસે તેની પાસેથી 117 મીટર કોપરના વાયર, ચોરીમાં ઉપયોગમાં લેવાતું મોપેડ, મોબાઇલ ફોન અને વાયર કાપવાની પકડ સહિત કુલ 93,050 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. આરોપીની ધરપકડ સાથે કરજણ, કઠલાલ અને કપડવંજ ટાઉન પોલીસ સ્ટેશન સહિતના 12થી વધુ ગુનાનો ભેદ ઉકેલાયો છે.

વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન મળેલી બાતમીના આધારે ટીમે વાઘોડિયા બ્રિજથી આગળ હાઇવે રોડ ઉપર TVS જ્યુપિટર મોપેડ પર પસાર થઈ રહેલા વિશાલ રમેશભાઇ રાજપૂતને રોક્યો હતો. તેની પાસેથી શંકાસ્પદ કોપરના વાયરોના આશરે 40 મીટર જેટલા ટુકડા અને વાયર કાપવાની પકડ મળી આવી હતી. પોલીસે વાયરો અંગે આધાર-પુરાવા માંગતા તે સંતોષકારક જવાબ આપી શક્યો નહોતો. જેથી તેની સઘન પૂછપરછ કરવામાં આવતાં સમગ્ર ચોરીકાંડનો પર્દાફાશ થયો હતો.

પોલીસની પૂછપરછમાં આરોપીએ છેલ્લા 7થી 8 મહિનાથી ગુજરાતના અલગ-અલગ જિલ્લાઓમાં મોબાઇલ ટાવરની સાઇટ પર જઈ ત્યાં લગાવવામાં આવેલા કોપરના કેબલ પકડ વડે કાપીને ચોરી કરતો હોવાનું કબૂલ્યું હતું. આરોપીએ કરજણ તાલુકાના લકોદરા અને બામણગામની સીમ, દુમાડ ખાતે એક્સપ્રેસ હાઇવે બ્રિજ નજીક, ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના પોરડા-ફાગવેલ, કઠલાલ-નડિયાદ રોડ પરના ઓવરબ્રિજ નજીક, કપડવંજના સોરણાગામ, વહેલાલ, દહેગામ તેમજ મહેસાણા હાઇવે અને કંચનપુરા, સુખપુરા તથા રાજગર ગામ નજીક આવેલા મોબાઇલ ટાવરોને નિશાન બનાવ્યા હતા.

આરોપીએ અગાઉ ચોરી કરેલા કોપરના વાયરો વેચી દીધા હોવાનું પણ તપાસમાં સામે આવ્યું હતું. પોલીસે આરોપીની પૂછપરછ અને તપાસના આધારે વેચી દીધેલા વાયરો પૈકી વધુ 77 મીટર કોપરના વાયરો પણ કબજે કર્યા હતા. આમ, કુલ 117 મીટર કોપરના વાયર જપ્ત કરવામાં આવ્યા છે. પોલીસે આરોપી પાસેથી TVS કંપનીનું કોફી કલરનું જ્યુપિટર મોપેડ-રૂ.50,000, કોપરના વાયર 117 મીટર-રૂ.38,000, OPPO કંપનીનો મોબાઇલ ફોન-રૂ.5,000, વાયર કાપવાની પકડ-રૂ.50 મળી કુલ રૂ.93,050નો મુદ્દામાલ કબજે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ તપાસમાં આરોપી વિશાલ રાજપૂત સામે કરજણ પોલીસ સ્ટેશન, કઠલાલ પોલીસ અને કપડવંજ ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કોપર વાયર ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. આ ઉપરાંત અન્ય સ્થળોએ થયેલી ચોરી અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી છે. આરોપી અને કબજે કરાયેલા મુદ્દામાલ અંગે સંબંધિત પોલીસ સ્ટેશનોને જાણ કરવામાં આવી હતી. હાલ વધુ તપાસ માટે આરોપીને કરજણ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.

પકડાયેલ આરોપી વિશાલ રમેશભાઇ રાજપૂત મૂળ ઉત્તરપ્રદેશના દેવરિયા જિલ્લાના સલીમપુર તાલુકાના ઉસ્કા ગામનો રહેવાસી છે અને હાલ અમદાવાદના ઓઢવ વિસ્તારમાં વિશાલનગરમાં રહે છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી અગાઉ પણ વાયર ચોરીના ગુનાઓમાં પકડાઈ ચૂક્યો છે. તેની સામે અમદાવાદ ગ્રામ્યના અસલાલી, સાણંદ GIDC અને ચાંગોદર પોલીસ સ્ટેશનમાં વર્ષ 2025 દરમિયાન વાયર ચોરીના ત્રણ ગુનાઓ નોંધાયેલા છે.

Share :

Leave a Comments