વાઘોડિયાના પીપળીયાની મહિલા પાસેથી યુકેથી સોના અને ડોલરની ગિફ્ટના બહાને ગઠિયાએ 14.59 લાખ પડાવ્યા

ગિફ્ટ કે સોનું-ડોલર ન મળતા અને નાણાં પરત ન આવતા વાઘોડિયા પોલીસમાં ફરિયાદ

MailVadodara.com - A-conman-swindled-Rs-14-59-lakh-from-a-woman-in-Pipaliya-Waghodia-under-the-pretext-of-sending-her-a-gift-of-gold-and-dollars-from-the-UK

- ફેસબુક-વ્હોટ્સએપ મારફતે શરૂ થયેલી ઓળખાણ બાદ મિત્રતા કેળવી આધાર કાર્ડ મેળવ્યું

- કસ્ટમ ક્લિયરન્સ અને NOCના નામે RTGS તથા UPIથી અલગ-અલગ ખાતામાં નાણાં પડાવ્યા

વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાની એક મહિલા પાસેથી યુકેમાંથી મોંઘી ગિફ્ટ તેમજ સોના અને ડોલર મોકલવાના બહાને અજાણ્યા શખસોએ કસ્ટમ ક્લિયરન્સ અને NOCના નામે કુલ 14,59,000 પડાવી લીધા હોવાની ફરિયાદ નોંધાઈ છે. ફેસબુક અને વ્હોટ્સએપ મારફતે શરૂ થયેલી ઓળખાણ બાદ ટુકડે-ટુકડે વિવિધ બેંક ખાતાઓમાં રકમ ટ્રાન્સફર કરાવી સાયબર ફ્રોડ આચરવામાં આવ્યું છે.

વાઘોડિયા તાલુકાના પીપળીયા સ્થિત પ્રાઈમ વાટીકામાં રહેતા અને ઘરકામ કરતા 30 વર્ષીય મહિલા આશરે ત્રણેક મહિના પહેલા ફેસબુકનો ઉપયોગ કરતા હતા. તે સમયે અંકિત પટેલ નામના ફેસબુક યુઝરનો મેસેજ આવ્યો હતો અને ત્યારબાદ બંને વચ્ચે વ્હોટ્સએપ પર વાતચીત શરૂ થઈ હતી. બે મહિના પહેલા અંકિત પટેલે વ્હોટ્સએપ કોલ કરીને જણાવ્યું હતું કે, તેણે યુકેમાં કારનો શોરૂમ ખોલ્યો છે, મહિલા 'લકી' હોવાથી તેને ગિફ્ટ મોકલી રહ્યો છે અને તેના માટે આધાર કાર્ડનો ફોટો મંગાવ્યો હતો.

ત્યારબાદ સાતેક દિવસ પછી એક વ્યક્તિએ કસ્ટમ ઓફિસર તરીકે ઓળખ આપી ફોન કરીને જણાવ્યું કે, યુકેથી આવેલું પાર્સલ છોડાવવા માટે 5,000 ઓનલાઈન ભરવા પડશે. મહિલાએ ક્યુઆર કોડ પર 5,000 ચૂકવ્યા બાદ અંકિત પટેલે ડિલિવરી ચાર્જ અને કાગળોના ખર્ચ પેટે 1,500 અને 2,500 યુપીઆઈ પર ટ્રાન્સફર કરાવ્યા હતા. ફરીથી કસ્ટમ ઓફિસરના ફોન પર ગિફ્ટમાં સોનું અને ડોલર હોવાનું જણાવી એનઓસી (NOC) લેવાના બહાને અલગ-અલગ તારીખે નાણાં પડાવવાનું શરૂ કરાયું હતું.

આરોપીઓએ આપેલા વિવિધ બેંક ખાતાઓમાં અલગ-અલગ કરી RTGS મારફતે કુલ 14,50,000 જમા કરાવવામાં આવ્યા હતા. સાથે 9000 હજાર યુપીઆઈ મળી કુલ રૂપિયા 14,59,000 ટ્રાન્સફર કરાવી ગિફ્ટ કે સોનું-ડોલર ન મળતા અને નાણાં પરત ન આવતા પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું ભાન થતાં પીડિત મહિલાએ વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

Share :

Leave a Comments