સોમા તળાવ, શિવનગર અને ગોસીન્દ્રામાં ગાંજાના જથ્થા સાથે ચાર આરોપીઓ ઝડપાયા, બે સપ્લાયર વોન્ટેડ

નશામુક્ત વડોદરા અભિયાન હેઠળ અલગ અલગ વિસ્તારોમાં પોલીસના દરોડા

MailVadodara.com - Four-accused-caught-with-a-stock-of-ganja-in-Soma-Talav-Shivnagar-and-Gosindra-two-suppliers-wanted

- ક્રાઈમ બ્રાન્ચ, વરણામા પોલીસ અને એન્ટી નાર્કોટિક્સ વિંગે કાર્યવાહી કરી

- ગાંજાના છોડ સહિત કુલ મુદ્દામાલ જપ્ત કરી NDPS એક્ટ હેઠળ ગુના નોંધ્યા

વડોદરા શહેરના યુવાધનને નશાના દૂષણમાંથી મુક્ત કરવા માટે પોલીસ કમિશનર દ્વારા 'ક્લિન વડોદરા, નશામુક્ત વડોદરા' અભિયાન અંતર્ગત કડક કાર્યવાહી કરાઈ રહી છે. આ અભિયાન હેઠળ વડોદરા ક્રાઈમ બ્રાન્ચ, વરણામાં પોલીસ અને એન્ટી નાર્કોટિક્સ વિંગની ટીમોએ અલગ-અલગ સ્થળોએ દરોડા પાડી ગેરકાયદે ગાંજાના જથ્થા સાથે ચાર આરોપીઓને દબોચી લીધા છે, જ્યારે જથ્થો પૂરો પાડનારા બે શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા છે.

ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે સોમા તળાવથી દંતેશ્વર તરફ જતા બ્રિજ નીચે સર્વિસ રોડ પર રેડ કરી હતી. અહીં ગેરકાયદે રીતે ગાંજાનું વેચાણ કરતા વિષ્ણુ લક્ષ્મણ પઢિયાર કે જેઓ. અનુપમનગર, દંતેશ્વર, મકરપુરામાં રહે છે તેમજ મકરપુરાના વિજયવાડીમાં રહેતા રવિ જયંતી પરમારને ઝડપી લીધા હતા.

પોલીસે તેમની પાસેથી 5200ની કિંમતનો 103 ગ્રામ 99 મિલીગ્રામ ગાંજો, બે મોબાઈલ ફોન, રોકડ રકમ, ખાલી પ્લાસ્ટિકની થેલીઓ, હાથ રૂમાલ અને ટુ-વ્હીલર મળી કુલ રૂ. 85,050નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ કેસમાં ગાંજો પૂરો પાડનાર સુરત-સચીન ચોકડી પાસે પાન-પડીકીનો ગલ્લો ચલાવતા અજય નામના શખ્સને વોન્ટેડ જાહેર કરી, મકરપુરા પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ સોંપવામાં આવી છે. આ સાથે એન્ટી નાર્કોટિક્સ વિંગની ટીમે બાતમીના આધારે પાણીગેટ વિસ્તારના શિવનગરમાં દરોડો પાડ્યો હતો. પોલીસે અહીં રહેતા અલ્તાફ હુસેન સફીમહમદ મલેકના મકાનમાંથી ગેરકાયદે સંતાડેલો 129.19 ગ્રામ વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજો જપ્ત કર્યો હતો.

શિવનગર ખાતેથી મળી આવેલા પદાર્થમાં ઝીણી પાંદડી, પાતળી ડાળખી, બીજ અને બુક્કા જેવો પદાર્થ જોવા મળતા FSL (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી) અધિકારીને બોલાવી પ્રાથમિક ખરાઈ કરવામાં આવી હતી. આ પદાર્થ ગાંજો હોવાનું ફલિત થતાં આરોપી અલ્તાફ મલેકની અટકાયત કરી તેની વિરુદ્ધ NDPS એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

વડોદરા જિલ્લાના ગોસીન્દ્રા ગામની નવીનગરી ખાતે રહેતા જયંતિ અંબાલાલ વસાવાના ઘરના પાછળના વાડામાંથી વરણામા પોલીસે દરોડો પાડી કુલ 6 ગાંજાના લીલા છોડ ઝડપી પાડ્યા છે. પોલીસ ઇન્સ્પેક્ટર કે.એચ. ચૌધરીના માર્ગદર્શનમાં સર્વેલન્સ સ્ટાફે પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ હકીકતના આધારે પંચોને સાથે રાખી સ્થળ પર તપાસ કરતાં વાડામાંથી 3 ફૂટથી 10 ફૂટ સુધીની લંબાઈ ધરાવતા ગાંજાના છોડ મળી આવ્યા હતા, જેનું કુલ વજન 2.238 કિલોગ્રામ અને કિંમત રૂ.1,11,900નો મુદ્દામાલ જપ્ત કરી આરોપી વિરુદ્ધ એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે.

Share :

Leave a Comments