છાણી જકાતનાકા ST બસ સ્ટેન્ડ પર મહિલાની સોનાની ચેઇન ખેંચનારા ત્રણ આરોપી મોપેડ સાથે ઝડપાયા

બસમાં ચઢતી વખતે મુસાફરોની ભીડનો લાભ લઈ ગળામાંથી સોનાની ચેઇન ખેંચી લીધી હતી

MailVadodara.com - Three-accused-who-snatched-a-womans-gold-chain-at-the-Chhani-Octroi-Naka-ST-bus-stand-have-been-caught-along-with-their-moped

- 150થી વધુ CCTV કેમેરાના ફૂટેજના આધારે બાપોદના ડીલક્સ પાનના ગલ્લેથી આરોપીઓ પકડાયા

- ચોરાયેલી ચેઇન અને મોપેડ મળી રૂ.1.30 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

વડોદરાના છાણી જકાતનાકા ST બસ સ્ટેન્ડ પર બસમાં ચઢતી વખતે ધક્કામુક્કીનો લાભ લઈને અજાણ્યા શખસે મહિલાના ગળામાંથી સોનાની ચેઇન ખેંચી લીધી હતી. આ બનાવમાં આશરે 15 ગ્રામ વજનની અને રૂ.80 હજારની કિંમતની સોનાની ચેઇન ગુમાવતાં મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં મોપેડ પર ફરતા ત્રણ આરોપી પકડાઈ ગયા છે.

Vadodara ST Bus Chain Snatching Case; 3 Arrested Via CCTV Footage

નિઝામપુરા વિસ્તારમાં રહેતાં 53 વર્ષીય ઇલાબેન ખ્રિસ્તી ઘરકામ કરે છે. ગત 16 નવેમ્બરના રોજ તેઓ પોતાના પતિ પ્રકાશભાઈ સાથે સુઈગામ ખાતે સંબંધીના લગ્નપ્રસંગમાં જવા નીકળ્યાં હતાં. સવારે સાડા નવ વાગ્યાના અરસામાં છાણી જકાતનાકા એસ.ટી. બસ સ્ટેન્ડ પરથી બરોડાથી ફાગવેલ જતી સરકારી બસમાં ચઢી રહ્યાં હતાં. તે સમયે મુસાફરોની ધક્કામુક્કી વચ્ચે કોઈ અજાણ્યા શખસે તેમના ગળામાંથી સોનાનો ચેઇન ખેંચી લીધો હતો.

ચેઇન ખેંચાતાં જ ઇલાબેને પાછળ ફરીને જોયું હતું, પરંતુ આસપાસ કોઈ શંકાસ્પદ વ્યક્તિ દેખાઈ નહોતી. ત્યારબાદ તેઓ લગ્નપ્રસંગમાં જવા રવાના થઈ ગયાં હતાં. લગ્નપ્રસંગ પૂર્ણ થયા બાદ પતિ સાથે પોલીસ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આશરે રૂ.80 હજારની કિંમતના સોનાના ચેઇનની ચોરી અંગે અજાણ્યા શખસ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

પોલીસે બનાવની તપાસ દરમિયાન અલગ-અલગ વિસ્તારોના 150થી વધુ CCTV કેમેરાના ફૂટેજ ચેક કરતાં એક મોપેડ પર ત્રણ શંકાસ્પદ ઇસમો જતા હોવાનું સામે આવ્યું હતું. જેના આધારે હ્યુમન સોર્સ, ટેકનિકલ સોર્સ તેમજ ઇ-બીટ એપ્લિકેશનની મદદથી મોપેડના નંબરની વિગતો મેળવી આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.

આ દરમિયાન ફતેગંજ પોલીસને બાતમી મળી હતી કે, ચેઇન ચોરીના ગુનામાં સંડોવાયેલા વિજય દેવીપુજક, વિશાલ પાટીલ અને અજય દંતાણીયા બાપોદના ખોડિયારનગર સ્થિત પંચમ હાઇટ્સ કોમ્પ્લેક્સમાં આવેલા ડીલક્સ પાનના ગલ્લે ચા પીવા આવ્યા છે. જેથી પોલીસ ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી વિજય દેવીપુજક અને વિશાલ પાટીલને ઝડપી લીધા હતા.

પૂછપરછ દરમિયાન બંનેએ ગુનાની કબૂલાત કરી ચોરી કરેલી સોનાની ચેઇન તેમના સાગરીત અજય દંતાણીયા પાસે હોવાનું જણાવ્યું હતું. જેના આધારે પોલીસે અજય દંતાણીયાને પણ ઝડપી પાડી ત્રણેય આરોપીઓ પાસેથી ગુનામાં વપરાયેલું મોપેડ (રજિસ્ટ્રેશન નંબર GJ-06-QM-7034) અને ચોરી કરેલી મૂળ સોનાની ચેઇન કબજે કરી હતી.

પોલીસે કુલ રૂ. 1.30 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ત્રણેય આરોપીઓ વિજય બેચરભાઈ દેવીપુજક, વિશાલ કિશોરભાઈ પાટીલ અને અજય ભરતભાઈ દંતાણીયા (તમામ રહે. ખોડિયારનગર, ડી-માર્ટની બાજુમાં, બાપોદ, વડોદરા) સામે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. કબજે કરાયેલી સોનાની ચેઇનની કિંમત રૂ. 80 હજાર અને મોપેડની કિંમત રૂ. 50 હજાર હોવાનું જાણવા મળ્યું છે.

Share :

Leave a Comments