- પ્રત્યક્ષદર્શી સિશીલ દવેના દાવા મુજબ બુલેટની સ્પીડ 90થી 100 કિમી હતી, ત્રણેય ઈઈજાગ્રસ્તોને સારવાર માટે 108 મારફતે ગોત્રી હોસ્પિટલ ખસેડાયા હતા
વડોદરા શહેરના ગોત્રી રોડ પર બેફામ સ્પીડે બુલેટ દોડાવી મોપેડ ચાલકને જોરદાર ટક્કર મારતા ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા છે. જેમાં એકની હાલત ગંભીર બતાવાઈ રહી છે. ત્રણેય ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
પ્રત્યક્ષદર્શી સિશીલ દવેએ જણાવ્યું હતું કે, આ ઘટના ગોત્રી રોડ પર બની હતી. વડોદરા શહેરમાં બેફામ વાહનચાલકોને કારણે ફરી એકવાર અકસ્માતની ઘટના બની છે, જેમાં નિર્દોષ લોકોને નુકસાન પહોંચ્યું છે. આશરે 90થી 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આવી રહેલો બુલેટ ચાલક અત્યંત તેજ ગતિમાં હતો. તે સમયે એક મહિલા, તેમની સાથે એક નાની છોકરી અને એક પુરુષ એમ કુલ ત્રણ લોકો એક્ટિવા પર સવાર થઈને રોડ ક્રોસ કરી રહ્યા હતા. બુલેટ ચાલકે લગભગ 90 થી 100ની સ્પીડમાં તેમને જોરદાર ટક્કર મારી હતી, જેના કારણે બુલેટ અને એક્ટિવા બંનેના કૂચા વળી ગયા હતા.
આ અકસ્માતમાં મહિલાને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી અને ત્યાંથી લોહી વહી રહ્યું હતું. તેમની સાથે રહેલી નાની છોકરીને જમણા પગમાં ફ્રેક્ચર થયું હોવાનું જાણવા મળે છે, જ્યારે સાથેના પુરુષની હાલત અત્યંત નાજુક છે. ઘટના બાદ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે ઈજાગ્રસ્તોને સારવાર માટે ગોત્રી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
પ્રત્યક્ષદર્શીના જણાવ્યા મુજબ, તેઓ પોતે પણ રોડ ક્રોસ કરી રહ્યા હતા અને આ આખો અકસ્માત તેમણે નજરે જોયો હતો. વાહનની ઝડપ અને ટક્કરનું દ્રશ્ય જોઈને તેઓ થોડીવાર માટે ગભરાઈ ગયા હતા, પરંતુ તુરંત પોતાની ગાડી પાર્ક કરીને મદદ માટે દોડ્યા હતા. ટક્કર બાદ નાની છોકરી લગભગ સાત-આઠ ફૂટ દૂર જઈને પડી હતી અને મહિલા અલગ દિશામાં પડ્યા હતા. સૌપ્રથમ છોકરીને અને ત્યારબાદ મહિલાને સુરક્ષિત રીતે સાઈડમાં ખસેડવામાં આવ્યા હતા.


