વડોદરામાં ફરી ડબલ ડેકર બસ શરૂ કરવા પાલિકા દ્વારા વિચારણા, 64 જેટલા સીટી બસ સ્ટેન્ડ અપગ્રેડ કરાશે

શહેરમાં જૂની બસોની સાથે ઇલેક્ટ્રિક બસોના સંચાલન માટે નવું આયોજન

MailVadodara.com - Vadodara-Municipal-Corporation-considering-reintroduction-of-double-decker-buses-around-64-city-bus-stands-to-be-upgraded

- ડિજિટલ ડિસ્પ્લે પર બસનું લાઈવ લોકેશન અને રૂટની વિગતો મળશે

- ઇ-બસ માટે એપથી ઇ-પાસ જનરેટ કરવાની સુવિધા અપાઈ, બસ સ્ટેન્ડ પર ડિજિટલ સુવિધા ઉભી થશે

વડોદરા શહેરની જાહેર પરિવહન વ્યવસ્થાને વધુ સુદૃઢ, આધુનિક અને મુસાફરલક્ષી બનાવવા માટે વડોદરા મહાનગરપાલિકા દ્વારા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. શહેરના નાગરિકોને મુસાફરી દરમિયાન કોઈ પણ પ્રકારની હાલાકી ન પડે અને જાહેર પરિવહનનો ઉપયોગ વધુને વધુ લોકો કરે તેવા ઉમદા હેતુથી તંત્ર દ્વારા આગામી સમયમાં શહેરના 64 જેટલા સીટી બસ સ્ટેન્ડને અપગ્રેડ કરવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે, ટેકનોલોજીના યુગમાં મુસાફરોને બસની રાહ જોવામાં સમય ન બગડે તે માટે બસ સ્ટેન્ડ પર ડિજિટલ સુવિધાઓ ઊભી કરવા પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. હવેથી આ અપગ્રેડેડ બસ સ્ટેન્ડ પર બસના આવવા-જવાનો સમય, રૂટની વિગતો અને બસનું લાઈવ લોકેશન ડિજિટલ ડિસ્પ્લે બોર્ડ પર ઉપલબ્ધ કરાવવાના પ્રયાસો હાથ ધરાશે. આ ઉપરાંત, શહેરમાં પર્યાવરણને અનુકૂળ એવી ઇલેક્ટ્રિક બસો (ઇ-બસ) શરૂ થયા બાદ બસ સંચાલનમાં વધુ ચોકસાઈ લાવવા માટે એક ખાસ મિકેનિઝમ તૈયાર કરવામાં આવશે.

Switch Mobility to launch India's first EV double-decker bus with a light  aluminium framework; Aluminium Extrusion, Profiles, Price, Scrap,  Recycling, Section

આ વ્યવસ્થા હેઠળ એક જ રૂટ પર જૂની ડીઝલ બસ અને નવી ઇ-બસ એકસાથે ન દોડે તેની ખાસ તકેદારી રાખવામાં આવશે, જેનાથી ટ્રાફિકનું ભારણ ઘટશે અને તમામ રૂટ પર બસોની ફ્રિક્વન્સી જળવાઈ રહેશે. આ ઉપરાંત શહેરમાં ઇ બસ સેવા શરૂ કરવામાં આવી છે. જેના ઉપયોગ માટે એપ્લિકેશન પણ લોન્ચ કરવામાં આવી છે. આ એપ્લિકેશન થકી ઇ પાસ પણ જનરેટ કરી શકાશે. જેનો મહત્તમ ઉપયોગ કરવા માટે પણ અપીલ કરવામાં આવી છે. આગામી સમયમાં શહેરમાં લગભગ તમામ રૂટ પર ઇ બસ દોડતી કરવામાં આવશે. અને મુસાફરોને પણ આધુનિકતાનો અનુભવ થશે.

વડોદરાના શહેરીજનો માટે વધુ એક આનંદના સમાચાર એ છે કે, વર્ષો અગાઉ શહેરના રસ્તાઓ પર દોડતી અને શહેરીજનોમાં આકર્ષણનું કેન્દ્ર બનેલી ડબલ ડેકર બસ સેવાને પુનઃ શરૂ કરવા અંગે પણ મહાનગરપાલિકા દ્વારા ગંભીરતાપૂર્વક વિચારણા કરવામાં આવી રહી છે. જો આ યોજના અમલમાં આવશે તો વડોદરાના નાગરિકો અને ખાસ કરીને બાળકો તેમજ પ્રવાસીઓને ફરી એકવાર ડબલ ડેકર બસની સવારીનો રોમાંચક અનુભવ મળી શકશે. હાલ કયા વિસ્તારોમાં ડબલ ડેકર બસ દોડાવી શકાય તેનો પણ સર્વે કરવામાં આવી રહ્યો છે. એકંદરે, વડોદરા મહાનગરપાલિકાએ આગામી સમયમાં મુસાફરોની સુવિધાઓમાં વધારો કરવા અને શહેરની ટ્રાન્સપોર્ટ સિસ્ટમને સ્માર્ટ બનાવવા પર પોતાનું સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કર્યું છે, જેનાથી શહેરના વિકાસને નવી ગતિ મળશે.

Share :

Leave a Comments