- હોટલ, જાંબુઆ બ્રિજ પાસેની કાર અને મિત્રના રૂમમાં દુષ્કર્મ આચર્યાનો આક્ષેપ
- કોઈને જાણ કરશે તો જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ
વડોદરામાં લગ્નની લાલચ આપી યુવતીનું શારીરિક શોષણ કર્યાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. મૂળ ઉત્તરપ્રદેશની અને હાલ વડોદરા શહેરમાં રહેતી 27 વર્ષીય યુવતીએ સિટી બસના ડ્રાઈવર ચંદન ડાભી સામે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. યુવતીના આક્ષેપ મુજબ, આરોપીએ લગ્ન કરવાની લાલચ આપી અલગ અલગ સ્થળે તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. એટલું જ નહીં, અંગત પળોનો વીડિયો ઉતાર્યો હોવાની પણ યુવતીએ શંકા વ્યક્ત કરી છે.
ફરિયાદમાં યુવતીએ જણાવ્યું છે કે સિટી બસના ડ્રાઈવર ચંદન ડાભી સાથે તેને પ્રેમસંબંધ થયો હતો. ત્યારબાદ ચંદન તેને બાઈક પર બેસાડીને એક હોટલમાં લઈ ગયો હતો, જ્યાં લગ્ન કરવાનો વાયદો કરીને તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. આ ઉપરાંત, આરોપી ટુકડે-ટુકડે તેની પાસેથી નાણાં પણ લેતો હતો.
યુવતીના આક્ષેપ મુજબ, ત્યારબાદ જાંબુઆ બ્રિજ પાસે એક કારમાં પણ તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. ચંદન ડાભીએ અંગત પળોનો વીડિયો ઉતાર્યો હોવાની તેને શંકા છે. આ ઉપરાંત, આરોપી તેને પોતાના મિત્રના રૂમ પર લઈ ગયો હતો અને કપડાંની ખરીદી કરાવવાના બહાને તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો.
યુવતીએ વધુમાં આક્ષેપ કર્યો છે કે ત્યારબાદ ચંદન ડાભીએ તેને ગાળો આપી હતી અને આ અંગે કોઈને જાણ કરશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ સમગ્ર ઘટનાથી ગભરાયેલી યુવતીએ પોતાના માતા-પિતાને જાણ કરતાં તેમણે હિંમત આપીને પોલીસ ફરિયાદ નોંધાવવા સમજાવી હતી. યુવતીની ફરિયાદના આધારે મકરપુરા પોલીસે ચંદન ડાભી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


