પાદરામાં SDPAY એપ મારફતે આંગણવાડી કાર્યકર સાથે રૂા.7.57 લાખની ઠગાઇ, સાયબર હેલ્પલાઇનમાં ફરિયાદ

ઊંચા કેશબેકની લાલચમાં રોકાણ કર્યા બાદ એપ્લિકેશનમાંથી રકમ ઉપાડવામાં મુશ્કેલી

MailVadodara.com - Anganwadi-worker-in-Padra-defrauded-of-Rs-7-57-lakh-via-SDPAY-app-complaint-filed-with-cyber-helpline

- એપના વોલેટમાં કેશબેક સાથે 14.43 લાખનું બેલેન્સ દેખાતું હતું, એકાઉન્ટ અપડેટના નામે વધુ 2 હજાર ભરાવ્યા છતાં રકમ પરત ન મળી

વડોદરાના પાદરા આંગણવાડી વર્કર તરીકે ફરજ બજાવતા કરિશ્માબેન વહોરાએ પાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે આશરે એક વર્ષ પહેલાં મારી બહેનપણી પાસેથી મને 'SDPAY' નામની ઓનલાઇન એપ્લિકેશન વિશે જાણવા મળ્યું હતું, જેમાં રોકાણ કરવાથી સારું વળતર મળતું હોવાનું કહેવાયું હતું. મેં ગૂગલ પર તપાસ કરતાં તેના સંચાલક તરીકે મહેસાણાના ધવલ ગોવિંદભાઈ પટેલનું નામ સામે આવ્યું હતું. વિશ્વાસ આવતા મેં વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરાવ્યું અને 16 જુલાઈ, 2025થી રોકાણ કરવાનું શરૂ કર્યું. શરૂઆતમાં મને વોલેટમાં સારું કેશબેક દેખાતું હતું. પાંચેક મહિના પહેલાં આ એપનું નામ બદલીને 'Apna Pay' કરી દેવામાં આવ્યું હતું.

મેં મારા બેંક ખાતામાંથી રૂ.5,70,500 અને મારી બહેનપણીના ખાતા મારફતે રૂ.1,87,000 મળીને કુલ રૂ.7,57,500 આ એપ્લિકેશનમાં જમા કરાવ્યા હતા. એપના વોલેટમાં મારું બેલેન્સ કેશબેક સાથે રૂ.14,43,548 જેટલું મોટું દેખાતું હતું. પરંતુ, માર્ચ મહિનાથી પૈસા ઉપાડવામાં મુશ્કેલી શરૂ થઈ. એપની વોટ્સએપ ચેનલ પર 'ટેકનિકલ એરર' હોવાના બહાના બતાવાયા, અને મે મહિનામાં એકાઉન્ટ અપડેટના નામે વધુ રૂ.2,000 ભરાવ્યા છતાં એક પણ રૂપિયો મારા બેંક ખાતામાં જમા થયો નહીં. અંતે છેતરાયા હોવાનો અહેસાસ થતાં મેં સાયબર હેલ્પલાઇન 1930 પર ફરિયાદ નોંધાવી હતી.

Share :

Leave a Comments