- મેયરથી લઈ સ્થાયી સમિતિ ચેરમેન સુધીના વાહનો વ્હીકલપુલમાં જમા કરાઇ
- ચૂંટણી પ્રક્રિયા નિષ્પક્ષ રીતે થાય તે માટે તંત્રની કડક કાર્યવાહી, મતદાન બાદ જ વાહનો પરત અપાશે
વડોદરા શહેરની માંજલપુર વિધાનસભા બેઠકની આગામી 30મી તારીખે યોજાનારી પેટા ચૂંટણીને લઈને વડોદરા મહાનગરપાલિકામાં આદર્શ આચારસંહિતાનો ચુસ્ત અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે. ચૂંટણી પંચ દ્વારા પેટા ચૂંટણીની તારીખો જાહેર થતાં જ વડોદરા કોર્પોરેશનનું વહીવટી તંત્ર તાત્કાલિક એક્શન મોડમાં આવી ગયું છે. તમામ પદાધિકારીઓની ગાડીઓ જમા લઈ લેવામાં આવી છે.
સભા સેક્રેટરી તરફથી મળેલી કડક સૂચનાઓ અને માર્ગદર્શિકા બાદ કોર્પોરેશનની મિકેનિકલ શાખા દ્વારા આચારસંહિતાના નિયમોનું પાલન કરાવવા માટે ત્વરિત કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેના ભાગરૂપે તમામ રાજકીય પદાધિકારીઓને ફાળવવામાં આવેલા સરકારી વાહનો પાછા મેળવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આદર્શ આચારસંહિતાના કડક અમલીકરણના ભાગરૂપે વડોદરા મહાનગરપાલિકાના વ્હીકલપુલ ખાતે શહેરના તમામ મુખ્ય પદાધિકારીઓની સરકારી ગાડીઓ જમા લઈ લેવામાં આવી છે. આ કામગીરી અંતર્ગત વડોદરાના મેયર, ડેપ્યુટી મેયર, સ્થાયી સમિતિના ચેરમેન, શાસક પક્ષના નેતા તેમજ દંડક સહિતના તમામ હોદ્દેદારોની સત્તાવાર સરકારી ગાડીઓ મિકેનિકલ વિભાગ દ્વારા વ્હીકલપુલ ખાતે લાવીને જમા કરી દેવાઈ છે.
આચારસંહિતાના નિયમો અનુસાર ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કોઈપણ લોકપ્રતિનિધિ કે પદાધિકારી સરકારી વાહનો કે સંસાધનોનો ઉપયોગ પોતાના અંગત કે પક્ષના પ્રચાર-પ્રસાર માટે કરી શકતા નથી, જેને ધ્યાનમાં રાખીને આ વહીવટી પગલું ભરવામાં આવ્યું છે.
કોર્પોરેશનના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, માંજલપુર વિધાનસભાની આ પેટા ચૂંટણીની સમગ્ર પ્રક્રિયા શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ વાતાવરણમાં પૂર્ણ થાય તે માટે તંત્ર સંપૂર્ણપણે સજ્જ છે. પદાધિકારીઓ પાસેથી જમા લેવામાં આવેલી આ તમામ સરકારી ગાડીઓ હવે વ્હીકલપુલ ખાતે જ રાખવામાં આવશે. આગામી સમયમાં ચૂંટણી સંપન્ન થયા બાદ અને મતગણતરીની પ્રક્રિયા પૂર્ણ થઈને આદર્શ આચારસંહિતા હળવી થયા પછી જ આ તમામ પદાધિકારીઓને નિયમ અનુસાર તેમની ગાડીઓ પુનઃ સોંપવામાં આવશે. ચૂંટણીને લઈને શહેરમાં રાજકીય ગરમાવો વધી ગયો છે ત્યારે કોર્પોરેશન દ્વારા કાયદો અને વ્યવસ્થા તેમજ ચૂંટણી પંચની ગાઈડલાઈનનું ચુસ્ત પાલન થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.


