વડોદરા શહેર-જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર, છત્રી રેઇનકોટ વિના નીકળેલા લોકો મુશ્કેલીમાં મુકાયા

મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, ધરતીપુત્રો વાવણીની તૈયારીમાં

MailVadodara.com - Widespread-rainfall-across-Vadodara-city-and-district-people-who-stepped-out-without-umbrellas-or-raincoats-faced-difficulties

- સાવલી-ડભોઈ સહિત અનેક તાલુકામાં ઝરમર વરસાદ, સાવલીમાં સૌથી વધુ 39 મી.મી. વરસાદ, શહેરમાં 20 મી.મી. વરસાદ નોંધાયો, તાપમાન ઘટતાં ગરમીમાંથી મોટી રાહત

વડોદરા શહેર અને જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી અનુભવાઈ રહેલી અસહ્ય ગરમી અને બફારા બાદ અંતે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. ગત મોડી રાત્રિથી શરૂ થયેલા વરસાદી માહોલ વચ્ચે આજે સવારથી જ સમગ્ર જિલ્લામાં સાર્વત્રિક ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. સવારના સમયે આકાશમાં કાળાડિબાંગ વાદળો છવાઈ જતાં શહેરમાં અંધારપટ જેવો માહોલ સર્જાયો હતો. આ પ્રથમ વરસાદને પગલે મહત્તમ તાપમાનમાં મોટો ઘટાડો નોંધાતા વડોદરાવાસીઓએ ગરમીમાંથી મોટી રાહત અનુભવી છે અને વાતાવરણ આહલાદક બની ગયું છે.

જિલ્લા ફ્લડ કંટ્રોલ રૂમના આંકડા મુજબ, ગત રાતથી અત્યાર સુધીમાં વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં સૌથી વધુ 39 મી.મી. (આશરે દોઢ ઇંચ) વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત ડભોઇમાં 36 મી.મી., ડેસરમાં 35 મી.મી., વાઘોડિયામાં 23 મી.મી. અને વડોદરા શહેરમાં 20 મી.મી. (આશરે એક ઇંચ) વરસાદ નોંધાયો છે. ચોમાસાની શરૂઆત થતાં જ ખેડૂતોમાં હર્ષોલ્લાસ વ્યાપી ગયો છે અને ધરતીપુત્રો વાવણીના કામકાજની તૈયારીમાં જોતરાયા છે.

સવારના સમયે અચાનક વરસાદ શરૂ થતાં રોજિંદા કામકાજ અને નોકરી-ધંધા માટે બહાર નીકળેલા દ્વિચક્રી વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. અનેક લોકો રેઇનકોટ કે છત્રી વિના બહાર નીકળ્યા હોવાથી તેઓને રસ્તા કિનારે આવેલી દુકાનો, બસ સ્ટેન્ડ અને શેડ નીચે આશરો લેવાની ફરજ પડી હતી. વરસાદના કારણે વિઝિબિલિટી ઘટતાં અને રસ્તાઓ પર પાણી ભરાતાં મુખ્ય માર્ગો પર ટ્રાફિકની ગતિ ધીમી પડી હતી.

માત્ર એક ઇંચ જેટલા સામાન્ય વરસાદમાં જ શહેરના કેટલાક નીચાણવાળા વિસ્તારોના રસ્તાઓ પર ખાબોચિયા ભરાઈ જતાં સ્થાનિક રહીશોને હાલાકી ભોગવવી પડી રહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં પણ વડોદરામાં વરસાદી માહોલ યથાવત રહેશે.

Share :

Leave a Comments