- ઇન્ડિયન ઓવરસીઝ બેંકમાં પિતાની જાણ બહાર ખાતું ખોલાવ્યું
- ગુગલ-પે મારફતે SBI અને કોટક મહિન્દ્રામાંથી નાણાં ટ્રાન્સફર કર્યા
- નાની પુત્રીએ બહેન અને બનેવી સામે પોલીસ ફરિયાદ નોંધાવી
વડોદરામાં પિતાની જાણ બહાર તેમના દસ્તાવેજોનો ઉપયોગ કરી બેંકમાં ખાતું ખોલાવી તથા મોબાઇલમાં ગુગલ-પે શરૂ કરીને લાખો રૂપિયા સગેવગે કર્યાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પિતાની મોટી પુત્રી અને તેના પતિએ એકબીજાની મદદગારીથી પિતાના બેંક ખાતાંમાંથી ઓનલાઇન ટ્રાન્ઝેક્શન મારફતે રૂા.2.13 લાખ તેમજ ત્રણેય બહેનોના નામે પિતાએ ખોલાવેલી ફ્યુચર જનરલી લાઇફ ઇન્શ્યોરન્સની અલગ-અલગ પોલિસીમાંથી રૂા.6.28 લાખ મળી કુલ રૂા.8.41 લાખની રકમ ઉપાડી લીધી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ મામલે નાની પુત્રીએ બહેન અને બનેવી વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
વડોદરા શહેરના સિંધવાઈ માતા રોડ પર આવેલા ક્રિષ્ના ફ્લેટમાં રહેતા પ્રીતિબેનના પિતા ગોપાલભાઈ માળી ઓએનજીસીના ડીઝલ વર્કશોપમાંથી વર્ષ 2018માં નિવૃત્ત થયા હતા. તેમના પિતાના SBI અને કોટક મહિન્દ્રા બેંકમાં ખાતાં હતાં. પિતાએ ત્રણેય દીકરીઓના નામે ફ્યુચર જનરલી લાઇફ ઇન્શ્યોરન્સની પોલિસી ખોલાવી હતી અને ત્રણ વર્ષ દરમિયાન કુલ રૂા.18 લાખ જમા કરાવ્યા હતા. પિતાના બેંક ખાતાં અને વીમા પોલિસીની વિગતો મોટી પુત્રી રેખાબેન તથા તેમના પતિ જીગ્નેશભાઈ જાણતા હતા.
આ દરમિયાન બંનેએ પિતાની જાણ બહાર તેમના દસ્તાવેજોનો ઉપયોગ કરીને ઇન્ડિયન ઓવરસીઝ બેંકની દાંડિયા બજાર શાખામાં ખાતું ખોલાવ્યું હોવાનો આક્ષેપ છે. ત્યારબાદ પિતાના મોબાઇલ નંબર સાથે જોડાયેલા બેંક ખાતાનો ઉપયોગ કરીને ગુગલ-પે મારફતે SBIમાંથી રૂા.1,78,456 અને કોટક મહિન્દ્રા બેંકમાંથી રૂ.35 હજાર ટ્રાન્સફર કર્યા હતા.
આ ઉપરાંત, ત્રણેય બહેનોની વીમા પોલિસીમાંથી અલગ-અલગ સમયે કુલ રૂા.6,28,517.46ની રકમ ઇન્ડિયન ઓવરસીઝ બેંકના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. આમ, પિતાની જાણ બહાર કુલ રૂા.8,41,973.46ની રકમ ઉપાડી વિશ્વાસઘાત કર્યો હોવાની ફરિયાદ પ્રીતિબેને નોંધાવી છે. મકરપુરા પોલીસે રેખાબેન અને તેમના પતિ જીગ્નેશભાઈ સામે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.


