દાહોદ નજીક માલગાડીનો ડબ્બો ખડી પડતાં પશ્ચિમ એક્સપ્રેસ અને ગોરખપુર ટ્રેનને અધવચ્ચે રોકાઈ

જેકોટ-મંગલમહુડી વચ્ચે ગઇકાલે સાંજે માલગાડીનો ડબ્બો પાટા પરથી ઉતરી ગયો હતો

MailVadodara.com - Goods-train-wagon-derails-near-Dahod-Paschim-Express-and-Gorakhpur-train-halted-mid-journey

- વડોદરા સ્ટેશન પર સાયરન વાગતાં રેલવે કર્મચારીઓ સતર્ક થયા, મેડિકલ રેસ્ક્યુ વાન સહિતની જરૂરી ટીમોને તાત્કાલિક ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી

દાહોદમાં જેકોટ અને મંગલમહુડી વચ્ચે ગઈકાલે સોમવારે સાંજે આશરે ૭.૩૦ વાગ્યાના સુમારે દાહોદ તરફ જઈ રહેલી માલગાડીનો એક ડબ્બો અચાનક પાટા પરથી ઉતરી જતાં રેલવે તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. આ ઘટનાને પગલે રેલવે વ્યવહાર ખોરવાયો હતો અને સુરક્ષાના ભાગરૂપે પશ્ચિમ એક્સપ્રેસ તથા ગોરખપુર ટ્રેનને અધવચ્ચે રોકી દેવામાં આવી હતી. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

મળતી માહિતી મુજબ, જેકોટ-મંગલમહુડી વચ્ચે માલગાડી પસાર થઈ રહી હતી ત્યારે અચાનક તેનો એક ડબ્બો પાટા પરથી ખડી પડ્યો હતો. ઘટનાની જાણ થતાં જ રેલવેની ઇમરજન્સી ટીમ અને ટેકનિકલ નિષ્ણાતો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે રેલવે તંત્ર દ્વારા પશ્ચિમ એક્સપ્રેસ અને ગોરખપુર ટ્રેનને વચ્ચે જ રોકી દેવામાં આવી હતી.

હાલમાં વડોદરા અને રતલામ રેલવે વિભાગ દ્વારા પાટા પરથી ઉતરેલા ડબ્બાને ફરીથી ટ્રેક પર ચઢાવી રેલવે વ્યવહાર પૂર્વવત્ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

ઉલ્લેખનીયે કે, દાહોદ નજીક બનેલી આ ઘટનાના પગલે વડોદરા રેલવે સ્ટેશન પર ગઈકાલે સોમવારે સાંજે આશરે ૭.૩૫ વાગ્યે અચાનક સાયરન ગુંજી ઊઠતાં રેલવે કર્મચારીઓ સતર્ક થઈ ગયા હતા. સાયરનના અવાજથી સ્ટેશન પર હાજર મુસાફરોમાં પણ થોડીવાર માટે અચરજ ફેલાયું હતું. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વડોદરા રેલવે વિભાગની તબીબી બચાવ વાન (મેડિકલ રેસ્ક્યુ વાન) સહિતની જરૂરી ટીમોને તાત્કાલિક ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી.

Share :

Leave a Comments