મકરપુરાની ભવન્સ સ્કૂલમાં શિક્ષકોના મેનેજમેન્ટ સામેના આક્ષેપોની તપાસ માટે 8 અધિકારીઓની ટીમ બનાવાઇ

ભવન્સ સ્કૂલના શિક્ષકોના આક્ષેપો વચ્ચે ડીઈઓએ તપાસ શરૂ કરી

MailVadodara.com - An-8-member-team-of-officials-has-been-formed-to-investigate-allegations-made-by-teachers-against-the-management-of-Bhavans-School-in-Makarpura

- તપાસ કરવા પહોંચેલી ટીમને સ્કૂલના ગેટ પર તાળાં મળ્યાં, 3 નવેમ્બરે તમામ શિક્ષકો અને મેનેજમેન્ટના પ્રતિનિધિઓની બેઠક બોલાવાઈ

શહેરના મકરપુરા વિસ્તારમાં આવેલી ભવન્સ સ્કૂલમાં ૮૦ જેટલા શિક્ષકોએ સ્કૂલ મેનેજમેન્ટ સામે કરેલા ગંભીર આક્ષેપો બાદ ડીઈઓ કચેરી દ્વારા આ મામલાની તપાસ શરુ કરવામાં આવી છે.આ માટે બે એજ્યુકેશન ઈન્સ્પેક્ટર અને ૬ આસિસ્ટન્ટ એજ્યુકેશન ઈન્સ્પેક્ટર એમ આઠ અધિકારીઓની ટીમ બનાવાઈ છે.

ટીમમાં સામેલ એક અધિકારીના જણાવ્યા પ્રમાણે તપાસ માટે ટીમ સ્કૂલે પહોંચી તો સ્કૂલના ગેટ પર તાળા જોવા મળ્યા હતા. ટીમ દ્વારા આચાર્યને અને બીજા સ્ટાફને બોલાવીને સ્કૂલ ખોલાવવામાં આવી હતી. અધિકારીઓએ તાકીદ કરી હતી કે, દિવાળીની રજાને બાદ કરતા સ્કૂલ ચાલુ રાખવાની રહેશે.હાઉસ કિપિંગ સ્ટાફ દ્વારા શિક્ષકોના વિડિયો ઉતારવામાં આવે છે તેવા આક્ષેપ વચ્ચે સ્કૂલના કેટલાક સફાઈ કામદારોએ પોતાનો પક્ષ મૂકતા કહ્યું હતું કે, શિક્ષકોના ખાનગી કે જાસૂસી કરતા હોય તે પ્રકારના વિડિયો નથી ઉતારાતા. ઉપરાંત કેટલાક શિક્ષકો સફાઈ કર્મચારીઓ સાથે યોગ્ય વ્યવહાર કરતા નથી.શિક્ષકો સન્માનની અપેક્ષા રાખે છે તો સફાઈ કર્મચારીઓ પણ આવી જ અપેક્ષા રાખે છે.

અધિકારીના કહેવા પ્રમાણે મોટાભાગના શિક્ષકો આજે હાજર રહી શક્યા નહોતા અને તેના કારણે તા.૩ નવેમ્બર, મંગળવારે બપોરે બાર વાગ્યે પ્રાઈમરી, સેકન્ડરી, હાયર સેકેન્ડરી એમ તમામ શિક્ષકોની એક બેઠક બોલાવવામાં આવી છે અને મેનેજમેન્ટના પ્રતિનિધિઓ પણ તેમાં હાજર રહેશે.

અધિકારીના જણાવ્યા અનુસાર બંને પક્ષોને સાંભળ્યા બાદ ટીમ પોતાનો અહેવાલ રજૂ કરશે.જો સ્કૂલ મેનેજમેન્ટ સામે શિક્ષકોએ કરેલા આક્ષેપો સાચા હશે તો સ્કૂલની માન્યતા રદ કરવા સુધીના પગલા લેવાઈ શકે છે અને શિક્ષકો દ્વારા મેનેજમેન્ટને હેરાન કરવા માટે આક્ષેપો કરવામાં આવતા હશે તો શિક્ષકો સામે પણ કાર્યવાહી થઈ શકે છે.સમગ્ર મામલાની તટસ્થ તપાસ કરવામાં આવશે.

Share :

Leave a Comments