લગ્ન થતાં ન હોય ગ્રહો નડે છે, કહી ભાડુઆત મહારાજે વિધિના બહાને 5.90 લાખના દાગીના-રોકડ પડાવ્યા

વાઘોડિયા રોડ પર રાધે રત્નમ સોસાયટીમાં રહેતા કૃમિલ ગાંધીએ 2 શખ્સો સામે ફરિયાદ નોંધાવી

MailVadodara.com - marriage-does-not-happen-the-planets-will-be-in-conflict-and-took-away-5-90-lakhs-worth-of-jewellery-and-cash

- ભાડે રહેતા હિતેષભાઈ યાજ્ઞીક ઉર્ફે ઘનશ્યામ મહારાજે મકાન માલિક પાસેથી દાગીના અને રોકડ પડાવી ક્રેડિટ કાર્ડમાંથી 40 હજારનું AC અને 40 હજારનું ફ્રીજ પણ લઈ લીધું હતું

- ફરિયાદીના લગ્ન ન થતાં આરોપીએ વિધિ કરવા કહેતા દાગીના વિધિ માટે આપ્યાં હતા

વડોદરા શહેરમાં ભાડાના મકાનમાં રહેવા આવેલા મહારાજે વિધિ કરવાના બહાને મકાન માલિકના યુવકના લગ્ન થતા ન હોય તેમને ગ્રહ નડે છે, તેમ કહીને વિધિ કરવી પડશે તેમ કહ્યું હતું. ત્યારબાદ યુવક પાસેથી 3.60 લાખના દાગીના લીધા હતા અને 1 લાખમાં ગીરવી મૂકી દીધા હતા. આ ઉપરાંત અન્ય બે લોકોને તાંત્રિક વિધિ કરવાનું કહી રૂ.2.30 લાખના દાગીના લઈ સોની પાસે ગીરવી મૂકી દીધા હતા અને કુલ 5.90 લાખના દાગીના અને રોકડા પરત નહીં આપતા મહારાજ વિરુદ્ધ ઠગાઈની વારસિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર આવેલી રાધે રત્નમ સોસાયટીમાં રહેતા કૃમિલ ભરતકુમાર ગાંધી ફરિયાદ નોંધાવી છે કે, મારું બીજું મકાન હરણી રોડ પર વિજયનગર સોસાયટી આવેલું છે, જે મકાન ભાડે આપવાનું હતું. અમારા પડોશમાં રહેતા કૌશલભાઈ ચોક્સીએ મને ફોન કરી એક પતિ-પત્ની ભાડેથી ઘર શોધે છે, તમારૂ મકાન ખાલી છે તે મકાન તમારે ભાડે આપવું હોય તો તમે તેમને મળી શકો છો તેમ જણાવ્યુ હતું. જેથી હું બીજા દીવસે અમારૂં વિજયનગરના મકાન પર પિતા ભરતકુમાર ગાંધી સાથે ગયો હતો.

મકાન પર જઈને મકાન ભાડેથી લેવા ઈચ્છા ધરાવતા હિતેષભાઈ યાજ્ઞીક ઉર્ફે ઘનશ્યામ મહારાજને મળવા બોલાવ્યા હતા. જેથી તેઓ ત્યાં આવતા મકાનની ડિપોઝિટ બાબતે વાત કરી હતી. હિતેષભાઈ મકાન ભાડેથી લેવા સહમત થયા હતા અને મકાનનું માસીક ભાડુ રૂપિયા 5300 નક્કી કર્યું હતું. જેથી 10 માર્ચ, 2024થી રહેવા આવ્યા હતા. તેઓ તેમની પત્ની સાથે આ મકાનમાં ભાડેથી રહેતા હતા.

અમારે તેઓ સાથે અવારનવાર ફોનથી વાતચીત થતી હતી. વાતચીત દરમિયાન મારે લગ્ન કરવાના હોય લગ્ન બાબતે પણ હિતેષભાઈ યાજ્ઞીક ઉર્ફે ઘનશ્યામ મહારાજ સાથે વાતો થતી હતી. ગત 1 જુલાઇના રાત્રિના રોજ ફોન કરી તમારા લગ્નમાં ગ્રહો નડે છે, જેથી તમારા લગ્ન નક્કી થતા નથી, તેમ કહેતા મેં તેઓને ગ્રહો દુર કરવા માટે ઉપાય પૂછતા તેઓને ગ્રહ દુર કરવા માટે તમારા ઘરમાં રહેલા સોનાના દાગીનાની વિધિવત પૂજા કરવાથી ગ્રહો દુર થશે. વિધી કરવા માટે તમારે મને તમારા દાગીના આપવા પડશે, તેમ કહેતા મેં મારી માતા સાથે વાત કરી હતી.

2 જુલાઈના રોજ વિજયનગર ખાતે હિતેષ યાજ્ઞીકને મળવા ગયો હતો અને તેઓને મારી 1 સોનાની વીંટી, 1 સોનાની ચેઇન બન્નેનું વજન આશરે કિંમત 2.50 લાખના દાગીના મેં વીધી કરવા માટે આરોપી હિતેષ ઉર્ફે ઘનશ્યામ મહારાજને આપતા ત્યારે તેઓએ વિધિ કરીને 10 દિવસમાં દાગીના પરત આપવાની વાત મને કરી હતી. ઉપરાંત તે સિવાય મારા ક્રેડિટ કાર્ડ પર ફ્રીજ રૂ.40 હજાર, 40 હજારનું એસી તથા રોકડ રૂપિયા 30 હજાર મળી લીધા હતા. પરંતુ એસી, ફ્રીઝ અને રોકડા રૂપિયા અને વિધી માટે આપેલા સોનાના દાગીના મળી રૂ 3.60 લાખની મતા પરત હિતેષ યાજ્ઞીક ઉર્ફે ઘનશ્યામ મહારાજે આપ્યા નથી. અમે અમદાવાદ ખાતે સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં મળવા ગયા હતા, ત્યાં તેઓની પૂછપરછ દરમ્યાન આ મારા દાગીના રૂપિયા 1 લાખમાં સોની તપન નવીનચંદ્ર શાહ પાસે ગીરવે મુકેલ હોવાનું અમને જણાવ્યુ છે.

આ ઉપરાંત વિજયનગરમાં રહેતા રમેશભાઈ બાબુભાઈ સોનીના ઘરે નવચંડી યજ્ઞનું આયોજન કર્યું હતું. રમેશભાઈ બાબુભાઈ સોની હેન્ડીકેપ હોવાથી તેઓની માનસિક સ્થિતી સારી રહેતી ન હોવાથી તેઓની માનસિક શાંતી તથા ગ્રહો સુધારવા માટે વિધિ કરવા માટે હિતેષ યાજ્ઞિક રમેશભાઈ સોનીના ઘરે જઈ સોનાના દાગીના આપો, આ દાગીના 27 દિવસની વીધી કર્યા બાદ પરત આપીશ તેમ કહ્યું હતું. જેથી રમેશભાઈ સોની પાસેથી રૂ.1.90 લાખના સોનાના દાગીના લીધા હતા. 27 દિવસ બાદ પણ રમેશભાઈ સોનીને દાગીના પરત આપ્યા ન હતા. આ દાગીના આરોપી હિતેષ યાજ્ઞિકે સોની તપન નવીનચંદ્ર શાહ પાસે રૂ.35 હજારમાં ગીરવે મુકેલા હોવાનું જણાવ્યું છે.

તેવી જ રીતે આશિષભાઈ પ્રવિણભાઈ પરમારના ઘરે જઈ પોતે તાંત્રિક વિધિ કરે છે. તમારા ધંધામાં વધારો અને પ્રગતી કરવી હોય તો તમારે વિધિ કરાવવી પડશે, તેમ કહી તેમની પાસેથી રૂ.40 હજારની વીંટી સોની તપન નવીનચંદ્ર શાહ પાસે ગીરવે મુકી હતી. આ મામલે વારસિયા પોલીસે હિતેષભાઈ યાજ્ઞીક ઉર્ફે ઘનશ્યામ મહારાજ અને તપન નવીનચંદ્ર શાહ સામે પોલીસ ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

Share :

Leave a Comments