ડભોઇમાં મુસાફરોની સુરક્ષા અને ટ્રેનોના અવિરત સંચાલન માટે પ્રિ-મોન્સૂન મેન્ટેનન્સની કામગીરી શરૂ

વડોદરા - ડભોઇ વચ્ચે દોડતી ટ્રેનોના રૂટ પર કોઇ વિક્ષેપ ના પડે તેથી કામગીરી

MailVadodara.com - Pre-monsoon-maintenance-work-initiated-in-Dabhoi-to-ensure-passenger-safety-and-the-uninterrupted-operation-of-trains

- વરસાદને કારણે પાટાઓની વચ્ચે માટી, કાદવ-કીચડ અને કચરો ભરાઈ જાય છે, સાફ ન કરવામાં આવે તો પાટાઓને નુકસાન અને સિગ્નલિંગ સિસ્ટમ ખોરવાઈ જવાની શક્યતા રહે છે

ડભોઇમાં ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુરક્ષા અને ટ્રેનોના અવિરત સંચાલન માટે પ્રિ-મોન્સૂન મેન્ટેનન્સની કામગીરી જોરશોરથી શરૂ કરી દેવાઇ છે.

વડોદરા અને ડભોઇ વચ્ચે દોડતી ટ્રેનોના રૂટ પર કોઈ વિક્ષેપ ન પડે તે માટે હાલ ડભોઇ રેલવે સ્ટેશનની આસપાસના રેલવે ટ્રેક (પાટા) પર સઘન સફાઈ અને રિપેરિંગનું કામ ચાલી રહ્યું છે. ચોમાસા દરમિયાન ભારે વરસાદને કારણે રેલવે પાટાઓની વચ્ચે મોટા પ્રમાણમાં માટી, કાદવ-કીચડ અને કચરો ભરાઈ જવાની સમસ્યા સર્જાતી હોય છે. જો આ કચરો સમયસર સાફ ન કરવામાં આવે, તો પાટાઓને નુકસાન થવાની અને સિગ્નલિંગ સિસ્ટમ ખોરવાઈ જવાની શક્યતા રહે છે.


આથી, રેલવે વિભાગ દ્વારા દર વર્ષે ચોમાસા દરમિયાન ખાસ ઝુંબેશ ચલાવીને ટ્રેકની સફાઈ કરાવાય છે. ડભોઇ રેલવે સ્ટેશન અને તેની આસપાસના વિસ્તારોમાં સોમવારે રેલવેના ટેકનિકલ સ્ટાફ અને શ્રમિકો દ્વારા પૂરજોશમાં કામગીરી હાથ ધરાઇ હતી, જેમાં મુખ્યત્વે આ બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરાયું છે. કાદવ અને કચરાનો નિકાલ પાટાઓની વચ્ચે ફસાયેલી માટી, પથ્થરો અને જમા થયેલો કચરો સંપૂર્ણપણે સાફ કરાઇ રહ્યો છે, જેથી વરસાદી પાણીનો નિકાલ સરળતાથી થઈ શકે.

નટ-બોલ્ટ અને સ્ક્રૂનું ફિટિંગ ટ્રેક પર કોઈ જગ્યાએ સ્ક્રૂ ઢીલા થઈ ગયા હોય કે પાટા સાંધતી લોખંડની પટ્ટીઓ (ફિશ પ્લેટ) આઘીપાછી થઈ હોય, તેનું બારીકાઈથી નિરીક્ષણ કરીને રિપેરિંગ કરાઇ રહ્યું છે. હાલમાં આ સફાઈ અભિયાન ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે.

ટ્રેનની ગતિ અને મુસાફરોની સુરક્ષા સાથે કોઈ બાંધછોડ ન થાય તે માટે રેલવે વિભાગ દ્વારા આખાય ટ્રેકનું ટેકનિકલ પરીક્ષણ કરવામાં આવે છે. ચોમાસાની ઋતુમાં રેલવે ટ્રેક પર પાણી ભરાવા અથવા પાટા નબળા પડવાને કારણે અકસ્માતનો ભય રહે છે. પરંતુ રેલવે પ્રશાસન દ્વારા લેવાતા આ આગોતરા પગલાંને લીધે વડોદરા-ડભોઇ રૂટ પર દોડતી ટ્રેનો કોઈ પણ અવરોધ વિના અને સુરક્ષિત રીતે દોડી શકે છે.

Share :

Leave a Comments