દંતેશ્વરમાં 5માં માળેથી મહિલાનો આપઘાતનો પ્રયાસ, સ્થાનિક લોકોએ મહિલાને પકડી લઇ જીવ બચાવ્યો

દંતેશ્વર વિસ્તારમાં આવેલા સમૃદ્ધ સાત્વિક એપાર્ટમેન્ટની ઘટના, સમગ્ર ઘટના કેમેરામાં કેદ

MailVadodara.com - Woman-attempts-suicide-by-jumping-from-the-5th-floor-in-Danteshwar-locals-save-her-life-by-grabbing-hold-of-her

- મહિલાને કાઉન્સિલિંગ માટે પોલીસ સ્ટેશન લઈ જવાય


વડોદરાના દંતેશ્વર વિસ્તારમાં આવેલ એક બહુમાળી એપાર્ટમેન્ટમાંથી મહિલા દ્વારા આત્મહત્યાનો પ્રયાસ કરવાની સનસનાટીભરી ઘટના સામે આવી છે. એપાર્ટમેન્ટના પાંચમા માળેથી આપઘાત કરવા જઈ રહેલી મહિલાનો આ સમગ્ર ઘટનાક્રમ કેમેરામાં કેદ થઈ ગયો હતો, જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે. સદનસીબે, સ્થળ પર હાજર સ્થાનિક લોકોની સમયસૂચકતાને કારણે એક મોટી દુર્ઘટના અટકી ગઈ હતી. મહિલાને કાઉન્સિલિંગ માટે પોલીસ સ્ટેશન લઈ જવાય છે.


મકરપુરા પોલીસ મથકના PI એ.એમ. ગોહિલે જણાવ્યું હતું કે, આ માટે અમે ટીમ મોકલી છે. મહિલા કોણ છે અને શા માટે આ પગલું ભરતી હતી તે માટે અમે પહેલા કાઉન્સિલિંગ કરીશું. બાદમાં આપઘાતનો પ્રયાસ કરવા પાછળનું ચોક્કસ કારણ સામે આવશે.


પ્રાપ્ત વિગતો અનુસાર, આ બનાવ દંતેશ્વર વિસ્તારમાં આવેલા બહુમાળી 'સમૃદ્ધ સાત્વિક એપાર્ટમેન્ટ'માં બન્યો હતો. અહીં કોઈ અગમ્ય કારણોસર પાંચમા માળેથી એક મહિલા નીચે કૂદીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કરી રહી હતી. મહિલાની આ હરકત જોઈને નીચે અને આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા. આ દરમિયાન ત્યાં હાજર લોકોએ પોતાના મોબાઈલ ફોનમાં આ ઘટનાનો વીડિયો ઉતારી લીધો હતો, જે બાદમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.


ઘટના સમયે સ્થળ પર હાજર સ્થાનિક રહીશો અને લોકોએ અત્યંત હિંમત અને તત્પરતા દાખવી હતી. મહિલા કાઈ અણધાર્યું પગલું ભરે તે પહેલાં જ હાજર લોકોએ ત્વરિત પકડી લીધી હતી અને આપઘાત કરતા અટકાવી હતી. સ્થાનિકોની સમયસરની બચાવ કામગીરીને કારણે મહિલાનો આબાદ બચાવ થયો હતો અને મોટી જાનહાનિ ટળી હતી.

આ ઘટના અંગેની માહિતી મળતાં જ સ્થાનિક પોલીસની ટીમ આ મામલે તપાસ કરી રહી છે. આ મહિલાએ કયા માનસિક તણાવ કે કારણોસર આટલું આત્યંતિક પગલું ભરવાનો પ્રયાસ કર્યો હતો તે અંગે હાલ કોઈ સ્પષ્ટતા થઈ નથી. પોલીસે આ મામલે મહિલાને કાઉન્સિલિંગ માટે બોલાવી છે.

Share :

Leave a Comments