પતિના ફોનમાંથી અન્ય મહિલા સાથે ફોટો મળતાં પ્રેમલગ્ન કરનાર પરિણીતાનો ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ

2021માં નોકરી દરમિયાન પરિચય થયા બાદ પ્રેમ થતાં પરિવારની મંજૂરીથી કેરળમાં લગ્ન કર્યા હતા

MailVadodara.com - Married-woman-in-a-love-marriage-attempts-suicide-by-drinking-phenyl-after-finding-a-photo-of-another-woman-on-her-husbands-phone

- દારૂના નશામાં ઘરે આવેલા પતિની કાળી કરતૂત ઝડપાઈ, પરિણીતાએ પતિના મોબાઇલ ફોનમાં અન્ય એક મહિલા સાથેના કથિત ફોટોગ્રાફ્સ તેમજ વાંધાજનક ચેટ જોઈ લીધી હતી

- ઘટના બાદ પરિણીતાને ત્વરિત હોસ્પિટલમાં ખસેડી સારવાર અપાઇ, મહિલાએ પતિ વિરુદ્ધ સતત માનસિક ત્રાસ, ગાળાગાળી અને હેરાનગતિ અંગે ફરિયાદ કરતા પોલીસ તપાસ શરૂ

વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં પ્રેમલગ્ન કરનાર એક પરિણીતાએ પોતાના પતિના પરસ્ત્રી સાથેના સંબંધોની જાણ થતાં માનસિક રીતે વ્યથિત થઈને ફિનાઇલ પી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના બાદ પરિણીતાને ત્વરિત હોસ્પિટલમાં ખસેડી સારવાર આપવામાં આવી હતી. મહિલાએ પોતાના પતિ વિરુદ્ધ સતત માનસિક ત્રાસ, ગાળાગાળી અને હેરાનગતિ અંગે ગોરવા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ ફરિયાદમાં દર્શાવેલી વિગતો અનુસાર, વર્ષ 2021 દરમિયાન બંને એક ખાનગી હોસ્પિટલમાં સાથે નોકરી કરતા હતા. આ દરમિયાન તેમની વચ્ચે પરિચય થયો હતો અને મિત્રતા પ્રેમસંબંધમાં પરિણમી હતી. પરિવારજનોની મંજૂરી મેળવી સગાઈ કર્યા બાદ બંનેએ કોર્ટ મેરેજ કર્યા હતા. ત્યારબાદ દંપતી દુબઈ ગયું હતું અને બાદમાં કેરળમાં હિન્દુ સમાજના રીતિ-રિવાજ મુજબ તેમના લગ્ન સંપન્ન થયા હતા. લગ્ન બાદ ગર્ભાવસ્થા દરમિયાન પરિણીતાને કેરળમાં સાસુ-સસરા પાસે મૂકીને પતિ ફરી દુબઈ નોકરી અર્થે જતો રહ્યો હતો. આ સમયગાળા દરમિયાન પણ બંને વચ્ચે ફોન પર વારંવાર બોલાચાલી અને ઝઘડા થતા હતા. સંતાનના જન્મ પછી પણ બંને વચ્ચેના સંબંધોમાં તણાવ યથાવત રહ્યો હતો.

તાજેતરમાં પતિ પોતાના જન્મદિવસની ઉજવણી માટે વડોદરા આવ્યો હતો. રાત્રિના સમયે તે દારૂના નશામાં ધૂત થઈને ઘરે પરત ફર્યો હતો. આ દરમિયાન પતિ-પત્ની વચ્ચે વાતચીત થઈ રહી હતી ત્યારે પરિણીતાએ પતિના મોબાઇલ ફોનમાં અન્ય એક મહિલા સાથેના કથિત ફોટોગ્રાફ્સ તેમજ વાંધાજનક ચેટ જોઈ લીધી હતી. આ અંગે પત્નીએ પૂછપરછ કરતાં પતિ ઉશ્કેરાઈ ગયો હતો અને ગાળો આપીને છૂટાછેડા આપી દેવાની ધમકી આપી હતી. પતિના આવા વર્તન અને માનસિક ત્રાસથી ભાંગી પડેલી પરિણીતાએ બાથરૂમમાં જઈને ફિનાઇલ પી લીધું હતું. પરિવારજનોને ઘટનાની જાણ થતાં જ પરિણીતાને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. સારવાર મેળવીને પરિણીતા જ્યારે ઘરે પરત ફરી ત્યારે પતિ પોતાનો મોબાઇલ ફોન લઈને ઘરેથી ક્યાંક જતો રહ્યો હોવાનું સામે આવ્યું હતું. હાલમાં ગોરવા પોલીસે પીડિત મહિલાની ફરિયાદના આધારે પતિ વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ ચલાવી રહી છે.

Share :

Leave a Comments