- જૂનમાં 2,646 વાહનચાલકો દંડાયા, ડ્રાઇવિંગ લાયસન્સ વિનાના 344 ઝડપાયેલા પાસેથી 9.25 લાખનો દંડ
- વીમા વગર વાહન ચલાવતા 343 કિસ્સામાં 6.86 લાખનો દંડ વસૂલાયો
વાહન વ્યવહારના નિયમોનું ઉલ્લંઘન કરતા વાહનચાલકો સામે આર.ટી.ઓ. (RTO) વડોદરા કચેરી દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. વર્ષ 2026 ના જૂન માસ દરમિયાન હાથ ધરવામાં આવેલા ખાસ ચેકિંગ અભિયાન હેઠળ કુલ 2,646 ગુનાહિત વાહનો સામે કાયદેસરની દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી છે. આ સમગ્ર ઝુંબેશ દરમિયાન વડોદરા RTO દ્વારા વાહનચાલકો પાસેથી ટ્રાફિક નિયમભંગ બદલ કુલ રૂ.1,06,38,204 જેટલો જંગી દંડ વસૂલ કરવામાં આવ્યો છે.
દંડની રકમની દ્રષ્ટિએ ઓવરલોડ વાહનો અને પરમિટ વિના દોડતા વાહનો સામે સૌથી મોટી કાર્યવાહી જોવા મળી હતી. જેમાં ઓવરલોડિંગના 247 કેસ નોંધાઈને રૂ. 31,00,583 અને પરમિટ વિના વાહન ચલાવવાના 339 કેસમાં રૂ. 11,62,500 નો દંડ વસૂલાયો હતો. આ ઉપરાંત, ડ્રાઇવિંગ લાયસન્સ વિના વાહન ચલાવતા 344 ચાલકો પાસેથી રૂ. 9,25,000, ફિટનેસ સર્ટિફિકેટ વિનાના 227 વાહનો પાસેથી રૂ. 6,76,000 તેમજ ટેક્સ ભર્યા વિના રોડ પર દોડતા 59 વાહનો સામે કાર્યવાહી કરીને રૂ. 4,93,004 નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.
રોડ સેફ્ટી અને ટેકનિકલ નિયમોના ભંગ બદલ પી.યુ.સી (PUC) ન હોવાના સૌથી વધુ 514 કેસમાં રૂ. 2,57,000 અને નો-પાર્કિંગના 749 કેસમાં રૂ. 3,74,500 નો દંડ કરાયો હતો. તેમજ થર્ડ પાર્ટી વીમા વગર વાહન ચલાવતા 343 કિસ્સામાં રૂ. 6,86,000, ગેરકાયદેસર સફેદ LED લાઇટના 312 કેસમાં રૂ. 3,12,000 અને બુલ બાર (Bull bar) લગાવવા બદલ 245 કેસ કરીને રૂ. 2,45,000 દંડ પેટે વસૂલાયા હતા. આ ઉપરાંત ઓવર ડાઇમેન્શનના 80 કેસમાં રૂ.8,67,000 અને ભયજનક રીતે વાહન હંકારવાના 143 કેસમાં રૂ. 2,40,000 નો દંડ ફટકારવામાં આવ્યો છે.
અન્ય નિયમભંગોમાં સીટબેલ્ટ અને હેલ્મેટ વગરના 144 કેસ (રૂ. 72,000), Rupd & Supdના 103 કેસ (રૂ. 1,03,000), કલેન્ડેસ્ટાઇન ઓપરેશનના 21 કેસ (રૂ. 2,10,000), બેફામ ઝડપે વાહન ચલાવવાના 46 કેસ (રૂ. 91,500), રેડિયમ રિફ્લેક્ટરના 54 કેસ (રૂ. 54,000) અને નંબર પ્લેટ વિનાના 43 કેસ (રૂ. 36,600) નોંધાયા હતા. આ સિવાય વાહનમાં વધારાના મુસાફરો, ગેરવર્તણૂક અને અન્ય નાના-મોટા ગુનાઓ સામે પણ કાર્યવાહી કરાઈ હતી. RTO તંત્ર દ્વારા તમામ વાહનચાલકોને પોતાની અને અન્યની સુરક્ષા માટે ટ્રાફિકના નિયમોનું કડકપણે પાલન કરવા અપીલ કરવામાં આવી છે.


