- બેરીકેડ ગોઠવાયા છતાં પાણીનો નિકાલ નહીં, કાયમી ઉકેલની સ્થાનિકોએ માંગ કરી
શહેરના સયાજીગંજ વિસ્તારમાં પરશુરામ ભઠ્ઠા પાસે આવેલા દિનેશ મીલ રેલવે અંડરપાસમાં ગટરના પાણી ભરાવાની સમસ્યા બીજા દિવસે પણ યથાવત રહી છે. ગઈકાલે ગટરના પાણી ભરાતા અંડરપાસમાંથી અવરજવર સંપૂર્ણપણે બંધ થઈ ગઈ હતી. આજે પણ પાણીનો નિકાલ ન થતાં સ્થાનિક રહીશો તેમજ રોજિંદા પસાર થતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

આ અંડરપાસ સ્થાનિકો માટે મહત્વનો માર્ગ હોવાથી દરરોજ અસંખ્ય લોકો તેનો ઉપયોગ કરે છે. પરંતુ ગટરના પાણી ભરાઈ જતાં લોકોને જેતલપુર બ્રિજ સહિતના વૈકલ્પિક માર્ગોનો સહારો લેવો પડી રહ્યો છે.
અંડરપાસમાં ભરાયેલા ગટરના પાણીના કારણે આસપાસના વિસ્તારમાં ભારે દુર્ગંધ અને ગંદકી ફેલાઈ છે. તેમ છતાં બીજા દિવસે પણ તંત્ર દ્વારા પાણીના નિકાલ માટે અસરકારક કામગીરી હાથ ધરવામાં આવી નથી. સુરક્ષાના ભાગરૂપે અંડરપાસના પ્રવેશદ્વાર પર બેરીકેડ ગોઠવી દેવાયા છે, પરંતુ સમસ્યાના મૂળ કારણનો ઉકેલ હજુ સુધી આવ્યો નથી.
સ્થાનિકોનું કહેવું છે કે અગાઉ ભારે વરસાદ દરમિયાન અંડરપાસમાં પાણી ભરાતા માર્ગ બંધ થતો હતો, પરંતુ હવે વરસાદ વગર જ ગટરના પાણીથી અંડરપાસ બંધ થવાની સ્થિતિ સર્જાઈ રહી છે. આ ઘટના શહેરની ડ્રેનેજ વ્યવસ્થા અને જાળવણી અંગે ગંભીર પ્રશ્નો ઉભા કરે છે.


