ઉમા ચાર રસ્તા પાસે સીલ તોડી દુકાનમાં ઘૂસવાનો પ્રયાસ કરનાર પિતા-પુત્ર સહિત 3 સામે ફરિયાદ

કોર્ટના આદેશથી સીલ કરાયેલી દુકાનનું તાળું હથોળીથી તોડવાનો ફરી પ્રવેશનો પ્રયાસ કર્યો

MailVadodara.com - Complaint-filed-against-three-individuals-including-a-father-and-son-for-breaking-a-seal-and-attempting-to-enter-a-shop-near-Uma-Crossroads

- લોન ન ભરાતા પ્રોટીયમ ફાઇનાન્સને મિલકતનો કબજો મળ્યો હતો, હથોડીથી સીલવાળું તાળું તોડાયું

વડોદરાના ઉમા ચાર રસ્તા નજીક કોર્ટના આદેશથી પ્રોટીયમ ફાઇનાન્સના કબજામાં આપવામાં આવેલી મિલકતનું સીલ તોડી ફરી દુકાનમાં પ્રવેશ કરવાનો પ્રયાસ કરાતા ફરિયાદ નોંધાઈ છે. આ મામલે પ્રોટીયમ ફાઇનાન્સના અધિકારીએ પિતા-પુત્ર સહિત ત્રણ વ્યક્તિ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

પ્રોટીયમ ફાઇનાન્સ લિમીટેડ દ્વારા રાજપુતાના જ્યુસના પ્રોપરાઈટર મહેશભાઈ રમણભાઈ રાજપુત તથા તેમની પત્નીના નામે વર્ષ 2022માં રૂ.50 લાખની ધંધાકીય લોન આપવામાં આવી હતી. લોનના બદલામાં ઉમા વિસ્તારમાં આવેલી મધુમતી કોમ્પ્લેક્સની દુકાન નં.3 મોર્ગેજ રાખવામાં આવી હતી. શરૂઆતમાં લોનના હપ્તા નિયમિત ભરાયા હતા, પરંતુ બાદમાં સતત હપ્તા બાકી રહેતા લોન એકાઉન્ટ NPA જાહેર કરવામાં આવ્યું હતું.

લોનની વસૂલાત માટે નોટિસો આપ્યા બાદ કોર્ટની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. કોર્ટના આદેશના આધારે અધિકૃત કોર્ટ કમિશનરની હાજરીમાં મિલકતનો કબજો મેળવી પ્રોટીયમ ફાઇનાન્સ તરફથી દુકાનને સીલ કરવામાં આવી હતી. જોકે, બાદમાં મહેશભાઈ રાજપુતે કોર્ટના આદેશનો ભંગ કરી સીલ તોડી દુકાનમાં પ્રવેશ કરી ફરીથી ધંધો શરૂ કર્યો હતો.આ મામલે અગાઉ પણ પોલીસ ફરિયાદ અને કોર્ટમાં કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારબાદ ફરી કોર્ટના આદેશથી મિલકતનો કબજો ફાઇનાન્સ કંપનીને સોંપવામાં આવ્યો હતો.

દરમિયાન 1 સપ્ટેમ્બરે બપોરે આશરે 12.40 વાગ્યે ફાઇનાન્સ કંપનીના કર્મચારીને ફોન કરીને રાજપુતાના જ્યુસની દુકાનનું તાળું તોડવાની વાત ચાલી રહી હોવાની જાણ કરવામાં આવી હતી. જેથી ફાઇનાન્સ કંપનીના અધિકારીઓ અને સ્ટાફ સ્થળ પર પહોંચ્યા હતા. ત્યાં મહેશભાઈ રાજપુત અને તેમનો પુત્ર કુલદીપભાઈ હાજર હતા. ત્યાં હાજર ડો.ગંગારામ તિવારી નામના વ્યક્તિએ પોતે ઉત્તર પ્રદેશનો હોવાનું જણાવી દુકાનનું તાળું તોડીને અંદર બેસી જવા કહ્યું હતું.

ત્યારબાદ મહેશભાઈ અને તેમના પુત્ર કુલદીપે હથોડી વડે દુકાનના સીલવાળા તાળાને તોડવાનો પ્રયાસ કર્યો હતો. એક સીલ મારેલું તાળું તોડી નાખવામાં આવ્યું હતુ. આથી કોર્ટના આદેશનું ઉલ્લંઘન કરી ફાઇનાન્સ કંપનીના કબજાવાળી મિલકતમાં ગેરકાયદેસર પ્રવેશ કરવાનો પ્રયાસ કરવાનાર મહેશભાઈ રમણભાઈ રાજપુત, તેમના પુત્ર કુલદીપભાઈ અને ડો.ગંગારામ તિવારી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Share :

Leave a Comments