વડોદરામાં મેડિકલ એડમિશનના બહાને રૂા.55 લાખ પડાવ્યા, દિલ્હીના 2 સહિત 5 સામે પોલીસ ફરિયાદ

2019માં એડમિશન ન થતાં આરોપીઓએ 2020માં એડમિશન પાકું થઈ જશે તેમ જણાવ્યું હતું

MailVadodara.com - Rs-55-lakh-swindled-in-Vadodara-under-the-pretext-of-medical-admission-police-complaint-filed-against-five-individuals-including-two-from-Delhi

- રૂ.10 લાખ બેંકથી અને રૂ.45 લાખ રોકડા લીધા, એડમિશન ન મળતાં ચેક પણ બાઉન્સ થયા

વડોદરા શહેરમાં મેડિકલ કોલેજમાં એડમિશન અપાવવાની લાલચ આપી વિદ્યાર્થીના પિતા પાસેથી 55 લાખ રૂપિયા પડાવ્યા હતા. 5 આરોપીઓએ એડમિશનની ખાતરી આપી શરૂઆતમાં રૂ.10 લાખ બેંક મારફતે લીધા હતા અને ત્યારબાદ રૂ.45 લાખ રોકડા મેળવી લીધા હતા. જોકે, વિદ્યાર્થીને મેડિકલ કોલેજમાં એડમિશન અપાવવામાં આવ્યું ન હતું. નાણાં પરત માંગતા આપવામાં આવેલા ચેક પણ બાઉન્સ થતાં ફરિયાદીએ પોલીસનો સંપર્ક કર્યો હતો. જેથી આ મામલે ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. જેને આધારે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

વડોદરા શહેરના સુભાનપુરા વિસ્તારમાં આવેલા અમૃતા પાર્કમાં રહેતા દિક્ષીત મુકેશકુમાર સુરેન્દ્રભાઈ (ઉં.વ. 56) એ ગોરવા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, તેમના પુત્ર શિવાંગે ધોરણ-12 સાયન્સનો અભ્યાસ કર્યો હતો અને તેને મેડિકલ ક્ષેત્રે વધુ અભ્યાસ કરાવવાનો હતો. આ દરમિયાન મેડિકલ કોલેજમાં એડમિશન અપાવવાની જાહેરાત જોઈને ઓફિસ અંગેની માહિતી મળતાં એપ્રિલ-2019માં આપેલા મોબાઇલ નંબર પર સંપર્ક કર્યો હતો. ત્યારબાદ અજીતેષકુમાર સારંગી સહિતના વ્યક્તિઓએ ફરિયાદીનો સંપર્ક કરી તેમના પુત્રને મેડિકલ કોલેજમાં એડમિશન અપાવવાની ખાતરી આપી હતી.

આરોપીઓએ એડમિશન માટે કુલ 60 લાખ રૂપિયા જેટલો ખર્ચ થશે તેમ જણાવી શરૂઆતમાં રૂ.10 લાખની માંગણી કરી હતી. ફરિયાદીએ યુનિયન બેંકના 3 ચેક મારફતે કુલ રૂ.10 લાખ ઓરબીટલ કેરિયરના બેંક ખાતામાં જમા કરાવ્યા હતા. ત્યારબાદ આરોપીઓએ મેડિકલ એડમિશનની પ્રક્રિયા શરૂ કરી હોવાનું જણાવી મોબાઇલમાં કેટલાક લેટર પણ બતાવ્યા હતા.

આ ઉપરાંત, મે-જૂન 2019 દરમિયાન આરોપીઓએ NEET પરીક્ષાની પ્રક્રિયા પૂર્ણ થઈ હોવાનું જણાવી વધુ રૂ.45 લાખ રોકડા તૈયાર રાખવા કહ્યું હતું. જેથી ફરિયાદીએ 45 લાખ રૂપિયા રોકડા આપ્યા હતા. આમ કુલ રૂ.55 લાખ રૂપિયા આપ્યા હતા, ત્યારબાદ શિવાંગે NEETની પરીક્ષા આપી હતી. જોકે 2019માં એડમિશન ન થતાં આરોપીઓએ 2020માં એડમિશન પાકું થઈ જશે તેમ જણાવ્યું હતું. તેમ છતાં શિવાંગને મેડિકલ કોલેજમાં એડમિશન મળ્યું નહોતું.

જેથી શંકા જતા ફરિયાદીએ પોતાના રૂ.55 લાખ પરત માંગ્યા હતા. આરોપીઓએ નાણાં પરત આપવા માટે બેંકના ચેક આપ્યા હતા, પરંતુ તે ચેક બેંકમાં જમા કરાવતા બાઉન્સ થયા હતા. આજ દિવસ સુધી નાણાં પરત ન મળતાં ફરિયાદીએ વડોદરાના અજીતેષ સારંગી, તેજલ અજીતેષ સારંગી, યાજનીક ચંદ્રેશ દિવ્યકાંત (તમામ રહે. શ્રી વિનાયક કૃપા,. માંજલપુર, વડોદરા) અને દિલ્હીના રણજીત મુખીયા અને સંજીવ ઝા (ઓફીસ; ગોપાલ ટાવર, રાજેન્દ્ર પ્લેસ, ન્યુ દિલ્હી) સામે પૂર્વઆયોજિત કાવતરું રચી મેડિકલ એડમિશનના બહાને રૂ.55 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.

Share :

Leave a Comments