- મહિલાએ આદિત્ય બિરલા ફાઇનાન્સના કર્મચારીની ખોટી ઓળખ આપી હતી, સબસિડી, ટીડીએસ સહિતના ચાર્જના નામે રકમ ભરાવાઈ, લોન ન મળતાં છેતરપિંડીનો ભાંડો ફૂટ્યો
- ફાઇનાન્સ કર્મચારી તરીકે ઓળખ આપી હતી, વોટ્સએપથી દસ્તાવેજો મંગાવી રકમ લેવાઈ
સાયબર ગઠિયાઓએ આદિત્ય બિરલા ફાઇનાન્સના કર્મચારી તરીકે ખોટી ઓળખ આપી વડોદરાના યુવકને વીમા પોલિસીની સામે 20 લાખની લોન આપવાની લાલચ આપી હતી અને જીરો ટકા વ્યાજ અને ઓછા હપ્તાની લોનની ઓફર કરીને યુવક પાસેથી અલગ-અલગ ચાર્જના બહાને કુલ 11.23 લાખ રૂપિયા પડાવ્યા હતા. લાંબા સમય બાદ પણ લોન નહીં મળતાં છેતરપિંડી થઈ હોવાનું જણાતા યુવકે વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
જાન્યુઆરી 2026માં વડોદરાના યુવકને અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. ફોન કરનાર મહિલાએ કહ્યું હતું કે, તેનું નામ અંકિતા મિશ્રા છે અને તે આદિત્ય બિરલા ફાઇનાન્સમાંથી બોલે છે. આ. મહિલાએ પોલિસી સામે 20 લાખની લોનની ઓફર કરી હતી. લોન મેળવવા માટે એક લાખ રૂપિયાની લાઇફ ઇન્શ્યોરન્સ પોલીસી લેવી પડશે તેમ જણાવ્યું હતું. ત્યારબાદ અન્ય નંબર પરથી ફોન કરી યુવક પાસેથી ફોટો, આધારકાર્ડ, પાનકાર્ડ અને ત્રણ વર્ષના ITR સહિતના દસ્તાવેજો વોટ્સએપ મારફતે મંગાવવામાં આવ્યા હતા. યુવકે તેમના જણાવ્યા મુજબ પોલિસી પણ લીધી હતી.
ત્યારબાદ આરોપીઓએ લોનની પ્રોસેસના નામે સબસિડી, સબસિડી ચાર્જ, TDS અને બીજી પોલિસી સહિતના વિવિધ બહાના કાઢી યુવક પાસેથી અલગ-અલગ રકમ ભરાવી હતી. આરોપીઓ દ્વારા મોકલવામાં આવેલી લિંક્સ મારફતે યુવકે પોતાના બેંક ખાતા તથા ક્રેડિટ કાર્ડમાંથી રકમ ચૂકવી હતી. આ રીતે કુલ 11,73,067 રૂપિયા રકમ ભરાવવામાં આવી હતી. જોકે, બાદમાં લોન નહીં મળતાં અને વધુ રકમની માંગણી થતાં યુવકને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાની જાણ થઈ હતી.
યુવકે 25 જુલાઈ 2026ના રોજ 1930 હેલ્પલાઇન પર પણ ફરિયાદ નોંધાવી હતી. તપાસ દરમિયાન કેટલાક ટ્રાન્ઝેક્શનની રકમ રિફંડ થઈ હોવાનું જણાતાં સુધારા બાદ ફરિયાદ મુજબ કુલ રૂ.11,23,067.38ની છેતરપિંડી થઈ હોવાનું સામે આવ્યું છે. યુવકે આ મામલે વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે.


