વડોદરાના બિલ કેનાલ રોડ વિસ્તારમાં ઘર બેઠા કામ આપવાના બહાને મહિલા પાસેથી રૂા.1.90 લાખ પડાવી લેવાના કિસ્સામાં અટલાદરા પોલીસે ગઠિયાઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
બિલ કેનાલ રોડ પર ધ માર્ક સોસાયટીમાં રહેતા રાજેશ્વરીબેન રાહુલભાઈ દાનવલે ગોત્રી રોડ પર આવેલી એક કંપનીમાં સેલ્સ એક્ઝિક્યુટિવ તરીકે નોકરી કરે છે. તેમણે અટલાદરા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, ગત 29 માર્ચે તેઓ ઘરે હતા ત્યારે ઘર બેઠા કામ કરવાની જાહેરાત જોવા મળી હતી. જાહેરાતમાં રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ તેમને એક લિન્ક મોકલવામાં આવી હતી.
લિન્ક ઓપન કરતાં તેમને ગૂગલ રિવ્યૂ ટાસ્ક અંગેની માહિતી આપવામાં આવી હતી. શરૂઆતના બે રાઉન્ડમાં રેસ્ટોરન્ટના રિવ્યૂ કરવાના ટાસ્ક આપવામાં આવ્યા હતા. ત્યારબાદ ત્રીજા રાઉન્ડથી પૈસા રોકાણ કરવાનું કહેવામાં આવ્યું હતું. આરોપીઓએ લિન્ક મારફતે ટાસ્ક કેવી રીતે કરવાનો છે અને તેના બદલામાં કમિશન મળશે તેવી સમજ આપી હતી. કમિશન વર્કિંગ એકાઉન્ટમાં જમા થશે અને ત્યારબાદ તેને વિડ્રો કરી શકાશે તેમ જણાવાયું હતું.
આરોપીઓની વાત પર વિશ્વાસ રાખીને રાજેશ્વરીબેને 31 માર્ચે રૂ.800 તેમના જણાવેલા એકાઉન્ટમાં જમા કરાવ્યા હતા. ત્યારબાદ લિન્ક પર ઓર્ડરના રિવ્યૂ સબમિટ કરતાં તેમને નફો બતાવવામાં આવ્યો હતો. લિન્કમાંથી વિડ્રો કરતાં રૂ.1,050 તેમના બેન્ક એકાઉન્ટમાં જમા થયા હતા. આ રીતે શરૂઆતમાં નાણાં પરત મળતાં તેમને આરોપીઓ પર સંપૂર્ણ ભરોસો આવી ગયો હતો.
ત્યારબાદ ટાસ્ક પૂર્ણ કરવા માટે આરોપીઓએ વધુ રકમની માંગણી કરતાં રાજેશ્વરીબેને તેમના જણાવેલા બેન્ક એકાઉન્ટમાં કુલ રૂ.1.90 લાખ ટ્રાન્સફર કર્યા હતા. જોકે, ત્યારબાદ તેમને કોઈ પ્રોફિટ આપવામાં આવ્યો નહોતો અને તેમની સાથે છેતરપિંડી કરવામાં આવી હતી. અંતે સમગ્ર મામલે તેમણે અટલાદરા પોલીસનો સંપર્ક કરતાં પોલીસે ફરિયાદ નોંધી આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.


