વડોદરામાં LCBના બે સ્થળે દરોડા, 921 ક્વાર્ટર દારૂ અને 164.40 ગ્રામ ગાંજા સાથે 2 ઝડપાયા, 4 વોન્ટેડ

બંને આરોપીઓને વધુ તપાસ માટે હરણી અને કુંભારવાડા પોલીસને આગળની તપાસ સોંપાઈ

MailVadodara.com - LCB-raids-two-locations-in-Vadodara-two-arrested-with-921-quarters-of-liquor-and-164-40-grams-of-cannabis-four-wanted

- કારેલીબાગમાં ઝૂંપડપટ્ટી બહાર છૂટક ગાંજો વેચતી મહિલા 164.40 ગ્રામ ગાંજા સાથે અને હરણી દેણા ચોકડી ખાતેથી બોલેરો પીકઅપમાં લવાતો 921 ક્વાટર વિદેશી દારૂ સાથે ચાલક ઝડપાયો

વડોદરા શહેર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) ઝોન-4ની ટીમે બાતમી આધારે સપાટો બોલાવી બે અલગ-અલગ દરોડા પાડ્યા છે. જેમાં કારેલીબાગ ઇન્દિરાનગર બ્રિજ ઝૂંપડપટ્ટી બહાર છૂટક ગાંજો વેચતી મહિલાને 164.40 ગ્રામ ગાંજા સાથે અને હરણી દેણા ચોકડી ખાતેથી બોલેરો પીકઅપમાં લવાતો 921 ક્વાટર વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડી વાહનચાલકની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે બંને કેસમાં વાહન, મોબાઇલ તથા નશીલા પદાર્થો મળી કુલ 7.37 લાખનો મુદ્દામાલ કબ્જે કરી ફરાર 4 વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા કવાયત તેજ કરી છે.

Vadodara LCB Raid: Ganja and Foreign Liquor Seized | Crime News

એલ.સી.બી. ઝોન-4ની ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગમાં કાર્યરત હતી, તે દરમિયાન બાતમીદારો પાસેથી મળેલ બાતમીઓના આધારે ટીમે તાત્કાલિક અલગ-અલગ ટુકડીઓ બનાવી ત્વરિત રેડનું આયોજન કર્યું હતું. જેમાં પ્રથમ કાર્યવાહી l નેશનલ હાઈવે તરફથી દેણા ચોકડી તરફ વિદેશી દારૂ ભરેલી બોલેરો પીકઅપ આવનાર હોવાની માહિતી હતી. આથી પોલીસે દેણા બ્રિજ પાસે વોચ ગોઠવી શંકાસ્પદ પીકઅપ બોલેરોને કોર્ડન કરી અટકાવી હતી.

વાહનની તલાશી લેતાં તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂના અલગ-અલગ બ્રાન્ડના 921 નંગ ક્વાટર જેની કિંમત 2,30,250 થાય છે. પોલીસે વાહનચાલક આરોપી અમિન ગફારભાઇ કાબરા (ઉં.વ. 35, ધંધો-ડ્રાઇવિંગ, રહે. ગામ બિલખા, જિ. જૂનાગઢ) ની ધરપકડ કરી બોલેરો ગાડી અને મોબાઇલ સહિત કુલ 7,33,250નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ અંગે હરણી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી દારૂ મોકલનાર રમપેશભાઇ તથા મંગાવનાર રફીકભાઇને વોન્ટેડ જાહેર કરાયા છે.

બીજા કિસ્સામાં એલ.સી.બી. ઝોન-4ને બાતમી મળી હતી કે, કારેલીબાગ સ્થિત કે.જી.એન. બેકરી, ઇન્દિરાનગર બ્રિજ પાસે રહેતી ઝરીના શેખ નામની મહિલા પોતાના ઝૂંપડા બહાર રોડ પર ઊભી રહી છૂટક ગાંજાનું વેચાણ કરે છે. પોલીસે બાતમીવાળા સ્થળે રેડ કરી ઝરીના ઉસ્માન રસુલભાઇ શેખ (રહે. ઇન્દિરાનગર બ્રિજ પાસે, કારેલીબાગ) ને ઝડપી પાડી હતી. તેની પાસેથી 164 ગ્રામ 40 મિલિગ્રામ ગેરકાયદે વનસ્પતિજન્ય ગાંજો (કિંમત 3500) તથા મોબાઇલ ફોન સહિત કુલ 3900નો મુદ્દામાલ જપ્ત કરી કુંભારવાડા પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. એક્ટ મુજબ કાયદેસરનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

પોલીસ તપાસ દરમિયાન ગાંજાના કેસમાં સ્થાનિક ફતેમોહંમદ ઉર્ફે ફતુ ઉસ્માનભાઈ શેખ તથા સુરત રેલવે ટ્રેક પાસે રહેતા મુખ્ય સપ્લાયર રાજુનું નામ ખૂલ્યું છે, જ્યારે દારૂના કેસમાં સંડોવાયેલા બે સહિત કુલ 4 આરોપીઓને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. પકડાયેલ બંને આરોપીઓ તથા મુદ્દામાલને આગળની તપાસ માટે હરણી અને કુંભારવાડા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યા છે.

Share :

Leave a Comments