સુમનદીપ વિદ્યાપીઠ પાસે પાનના ગલ્લેથી ગાંજો વેચતી મહિલા ઝડપાઈ, રૂા.9250નો જથ્થો કબજે

વિદ્યાર્થીઓને નશાથી દૂર રાખવા ગ્રામ્ય SOGએ વાઘોડિયામાં કાર્યવાહી હાથ ધરી

MailVadodara.com - Woman-caught-selling-cannabis-from-a-paan-stall-near-Sumandeep-Vidyapeeth-stock-worth-9250-seized

- પીપળીયાના મકાનમાંથી 185 ગ્રામ ગાંજો મળી આવ્યો, આરોપી સામે અગાઉ પણ NDPS કેસ નોંધાયો

વડોદરા ગ્રામ્ય સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ (SOG) દ્વારા વાઘોડિયા સ્થિત સુમનદીપ વિદ્યાપીઠ સામે પાન-મસાલાના ગલ્લાની આડમાં ગાંજાનું છૂટક વેચાણ કરતી 60 વર્ષીય વૃદ્ધાને ઝડપી પાડી છે. યુવાધન અને કોલેજના વિદ્યાર્થીઓ નશાના રવાડે ન ચડે તે હેતુથી હાથ ધરાયેલી આ કાર્યવાહીમાં પોલીસે આરોપી પાસેથી 185 ગ્રામ ગાંજો તથા મોબાઈલ ફોન સહિત કુલ રૂ. 9,750 નો મુદ્દામાલ જપ્ત કરી એન.ડી.પી.એસ. (NDPS) એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે.

વડોદરા SOG પી.આઈ. પી.કે.સોઢાની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન વાઘોડિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એ.એસ.આઈ. પ્રવિણભાઈ ભરતભાઈને બાતમી મળી હતી કે, પીપળીયા ગામની એક મહિલા બહારથી માદક પદાર્થ ગાંજો મંગાવી ઘરમાં સંગ્રહ કરે છે અને સુમનદીપ વિદ્યાપીઠ સામે આવેલા પોતાના પાનના ગલ્લા પરથી તેનું છૂટક વેચાણ કરી રહી છે.

આ ચોક્કસ બાતમીના આધારે SOGની ટીમે પીપળીયા ગામના પરમાર વાસ, રામદેવપીરના ફળિયામાં રહેતી શાંતાબેન નાગજીભાઈ ઝવેરભાઈ પરમાર (ઉં.વ. 60)ના રહેણાંક મકાન પર છાપો માર્યો હતો. દરોડા દરમિયાન મકાનમાંથી રૂ. 9,250ની કિંમતનો 185 ગ્રામ ગાંજો અને મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે પકડાયેલી આરોપી શાંતાબેન પરમાર ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને વર્ષ 2022માં છોટાઉદેપુર જિલ્લાના રંગપુર પોલીસ સ્ટેશનમાં પણ તેની સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધાઈ ચૂક્યો છે. આ મામલે વાઘોડિયા પોલીસ મથકે કાયદેસરનો ગુનો નોંધી, ગાંજાના આ નેટવર્કના મૂળ સુધી પહોંચવા માટે આગળની વધુ તપાસ જરોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરને સોંપવામાં આવી છે.

Share :

Leave a Comments