- સુપર શકર શીન ન મળવાના કારણે કામગીરી અટવાઇ પડી હતી, માંજલપુરમાં યુવકના મોત બાદ ગભરાયેલા ઇજારદારે નવાયાર્ડમાં ડ્રેનેજ માટે ખોદાવેલા ખાડા તાત્કાલિક પૂરાવી દીધા!
વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં મોડી સાંજે ડ્રેનેજના ચેમ્બરમાં એક યુવાન પડી જતાં મોતને ભેટ્યો હતો. આ ઘટનાથી ગભરાયેલા ઇજારદારે નવાયાર્ડ વિસ્તારમાં આવેલ સરસ્વતી નગરમાં ડ્રેનેજની કામગીરી માટે ખોદાવેલા ખાડા તાત્કાલિક પૂરાવી દીધા હતા. આ કામગીરી છેલ્લા 20 દિવસથી ચાલી રહી હતી. પરંતુ, સુપર શકર મશીન ન મળવાના કારણે કામગીરી અટવાઇ પડી હતી.

આ અંગે સ્થાનિક કોંગ્રેસ કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલાએ જણાવ્યું હતું કે, નવાયાર્ડ સરસ્વતી નગરમા અમારા સાથી કાઉન્સિલરો હરીશ પટેલ સહિતના કાઉન્સિલરોએ સરસ્વતી નગરમા ડ્રેનેજ અને પાણીની સમસ્યા હોવાથી આ અંગેની કામગીરી શરૂ કરાવી હતી.

ઇજારદાર દ્વારા ડ્રેનેજ લાઇનની કામગીરી શરૂ કરી દેવામાં આવી અને લાઇન નાખવા માટે સરસ્વતી નગરમા ખાડા ખોદ્યા હતા. આ ખાડાઓમાં લાઇન નાખવા માટે ડ્રેનેજની મેઇન લાઇન સુપર શકર મશીનથી સાફ કરવાની હતી. પરંતુ, ઉત્તર ઝોનમાં મશીનનો ઇજારો ન હોવાથી કામગીરી અટવાઇ હતી.
કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલાએ વધુમાં જણાવ્યું કે, સરસ્વતી નગરમા લોકોના ઘર આગળ છેલ્લા 20 દિવસથી ખાડા ખોદી રાખ્યા હોવાથી સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ થઇ ગયું હતું. તાજેતરમાં એક મકાનમાં આગ લાગી હતી તે સમયે ફાયર બ્રિગેડને આગ બુઝાવવા ભારે મુશ્કેલી પડી હતી.

તેમણે જણાવ્યું કે, આ કામગીરી પૂર્ણ ન થતાં મે શનિવારે ધરણાં ઉપર બેસવાની ચિમકી આપી હતી. જોકે, મોડી સાંજે માંજલપુરમાં યુવાન ખૂલ્લી ડ્રેનેજમાં પડી જતાં મોતને ભેટતા ઇજારદાર દ્વારા સરસ્વતી નગરમા ડ્રેનેજની કામગીરી માટે ખોદેલા ખાડા તાત્કાલિક પૂરાવી દીધા હતા.
આ અંગેની જાણ અમોને થતાં અમો કાઉન્સિલરો સ્થળ ઉપર દોડી આવ્યા હતા. જોકે, આજે સુપર શકર મશીન આવી ગયા બાદ ડ્રેનેજ ચેમ્બર સાફ કરી તબક્કાવાર ડ્રેનેજ લાઇન નાખવામાં આવશે, તેમ કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલાએ ઉમેર્યું હતું.


