- આરોપીના પરિજનો ગામમાં પહોંચતા લોકોએ હોબાળો કર્યો ; પોલીસે માંડ ભીડ કાબુમાં લીધી
વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ચાણસદ ગામે દુષ્કર્મનો આરોપી જય વ્યાસના ઘર પર આજે (18 સપ્ટેમ્બર) ગ્રામજનો દ્વારા તોડફોડ કરવામાં આવી હતી. ગ્રામજનોનું કહેવું છે કે, અવારનવાર આ પ્રકારના કૃત્ય કરે છે જેથી પરિવાર ગામમાં ન જોઈએ. આ હોબાળા બાદ ગામમાં વાતાવરણ તંગદિલી ભર્યું બન્યું હતું. લોકો સાથે પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને મામલો શાંત પાડ્યો હતો. એક સમય લોકોના હોબાળા અને આરોપીના પરિવાર સામે આક્રોશને લઈ લોકો મોટી સંખ્યામાં ભેગા થયા હતા. પોલીસે પરિવારને પોલીસ વેનમાં બેસાડી ત્યાંથી રવાના થતાં બાદમાં મામલો શાંત પાડ્યો હતો.

પાદરા તાલુકાના ચાણસદ ગામે વર્ષ 2019માં આરોપી જય વ્યાસે ગામની જ એક યુવતીનું દુષ્કર્મ કરી તેને મોતને ઘાટ ઉતારી હતી. આ ચકચારી ઘટનામાં જય વ્યાસને જેલવાસ પણ થયો હતો. આ ઘટના બાદ આરોપીનો પરિવાર ચાણસદ છોડીને વડોદરા શહેરના મકરપુરમાં રહેવાં જતાં રહ્યાં હતાં. બે દિવસ પૂર્વે જ મકરપુરા પોલીસ સ્ટેશનમાં છેડતીનો ગુનો નોંધાયો હતો, જેમાં પોલીસે જયની ધરપકડ કરી હતી. આજે આરોપી જયના માતા-પિતા મકરપુરથી ચાણસદ ગામમાં જતા ભારે હોબાળો મચી જવા પામ્યો હતો. જેલમાંથી છૂટ્યા બાદ પણ જય આવા કૃત્યો કરતો હોવાના આક્ષેપો સાથે ગ્રામજનોએ તેના ઘર પર તોડફોડ કરી હતી.
ચાણસદ ગામે આવેલા જયના પરિવારને ગામમાં ન રહેવા દેવા તેમજ આરોપીને ફાંસીની સજાની માગ કરી હતી. ગ્રામજનોએ આક્રોશમાં આવી ઘરના બારી-બારણાના કાચ તોડીને ઘરનો ઘેરાવો કરી હોબાળો મચાવ્યો હતો. ઘટનાની જાણ થતા પાદરા પોલીસ પણ દોડી આવી હતી. આ સમયે ગ્રામજનોએ જય વ્યાસના પરિવારને તેઓને સોંપવાની માગ કરી હતી. ગ્રામજનોએ આક્ષેપ કર્યા હતા કે, જય વ્યાસને તેઓના પરિવારજનો જ પ્રોત્સાહિત કરે છે. જો કે, પોલીસે વચ્ચે પડીને મામલો થાળે પાડી જયના પરિવારને લઈને નીકળી ગઈ હતી.

આ અંગે પાદરા પોલીસ મથકના પીઆઈ વી. એ. ચારણે જણાવ્યું હતું કે, જય મર્ડર કેસનો જુનો આરોપી છે અને તે જુયેનાઈલ હતો અને તે કોર્ટમાંથી છૂટેલો છે. બાદમાં તે વડોદરામાં છેડતીના ગુનામાં સંડોવાયેલો છે. અગાઉ થયેલી ઘટનામાં પીડિતાના પરિવારજનોમાં આક્રોશ હતો, જેથી તેઓ અહીંયા આવ્યા હતાં અને રોષ વ્યક્ત કર્યો હતો. હાલમાં આ પરિવારને સલામત રીતે બહાર કાઢી પોલીસ મથક લઈ જવામાં આવ્યા છે.
વધુમાં કહ્યું કે, ગ્રામજનોની માગ હતી કે આરોપીને ફાંસીની સજા આપવામાં આવે, પરંતુ કાયદાકીય જે કોર્ટ દ્વારા કાર્યવાહી થાય. અમે કહ્યું છે કે, તમે રિ-અપીલ કરો અથવા કેસ ચાલતો હોય તે બાબતે વધુ વિગતો આપી કોર્ટને જે યોગ્ય લાગશે તે કરશે.
આ અંગે ગામની એક મહિલાએ જણાવ્યું હતું કે, આ જયે મને સાત વર્ષ પહેલા પણ ધમકી આપી હતી. સ્કૂલ જતો હતો, ત્યારે તે મકાનનો ડોરબેલ વગાડી ભાગી જતો હતો, હવે અમારે સુરક્ષા જોઈએ. મેં એક દિવસ તેના ઘરે પહોંચી લાત મારી હતી, ત્યારે મને કહેતો હતો કે, હું તારું ખૂન કરી નાખીશ. તેના માતા-પિતાનો તેના પર અંકુશ નથી. અમારી એકજ માગ છે કે, જયને જે કરવું હોય તે પણ તેના માતા-પિતા અમને આપી દો.
અગાઉ ગામની દીકરીનું દુષ્કર્મ કરી હત્યા કરનાર આરોપી જય સામે આક્રોશ વ્યક્ત કરતા પીડિતાની માતાએ જણાવ્યું હતું કે, મારી દીકરીને મારી નાખીને તેનું ખૂન કર્યું છે અને તળવામાં ફેકી દીધી હતી. તેને ફાંસીની સજા આપી દો. જામીન પર તે છૂટી જાય છે, કોઈ કોર્ટ કચેરી નહીં, અહીંયા જ ન્યાય થશે. અમારા હવાલે કરી દો.
અન્ય એક મહિલાએ જણાવ્યું હતું કે, જયને ફાંસી આપો, ન્યાય આપો. તેના ઘરને બોલદોઝર ફેરવી દો. ગુજરાતમાં યોગીરાજ લાવવું પડશે. છોકરીઓના રેપ કરે છે, તેને સજા આપો તે ગામમાં જોઈએ જ નહીં.


