વાઘોડિયા દત્તનગરની 8 કરોડની જમીન પચાવી પાડનાર રાજકોટના વિમલ રાજાણીની ધરપકડ

છ વર્ષ અગાઉ નોંધાયેલા ગુનામાં ફરાર વિમલ રાજાણીને પેરોલ ફર્લો સ્કવોડે રાજકોટથી ઝડપ્યો

MailVadodara.com - Vimal-Rajani-of-Rajkot-arrested-for-grabbing-land-worth-Rs-8-crore-in-Waghodia-Duttnagar

- આરોપીએ 9 વીઘા જમીનના રૂપિયા 8.18 કરોડ આપ્યા વિના જ દસ્તાવેજ કરાવી લીધો હતો

વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના દત્તનગર ખાતે આવેલી રૂપિયા 8.10 કરોડની જમીનનો એકપણ રૂપિયો આપ્યા વગર દસ્તાવેજ કરાવી લેનાર શખ્સની ધરપકડ કરવામાં આવી છે. જમીન માલિકોને ચેક આપવાની ખાતરી આપી રજિસ્ટર દસ્તાવેજ કરાવી લઇ છેતરપિંડી આચરવાના છ વર્ષ અગાઉ નોંધાયેલા ગુનામાં ફરાર વિમલ રાજાણીને પેરોલ ફર્લો સ્કવોડે રાજકોટથી ઝડપી પાડી વાઘોડિયા પોલીસને હવાલે કર્યો હતો.

વાઘોડિયા પંથકમાં ભારે ચકચાર જગાવનાર આ ઘટનાની વિગત એવી છે કે, વાઘોડિયા તાલુકાના દત્તનગર ખાતે આવેલી 9 વીઘા જમીનનો રાજકોટ રહેતા વિમલ મનસુખભાઇ રાજાણી અને તેમના મળતીયાઓએ ડીલ કરી હતી. જમીન માલિક સાથે 351 પ્રતિ ચોરસ ફુટના ભાવે જમીનનો સોદો નક્કી કરાતા તેના રૂપિયા 8.10 કરોડ ચુકવવાના હતા. આ તમામ નાણાં ચેકથી ચુકવી દેવામાં આવશે તેવું જમીન માલિકોને જણાવી વાઘોડિયા મામલતદાર કચેરી ખાતે બોલાવી સબ રજીસ્ટ્રારની હાજરીમાં અંગુઠા કરાવી લીધા હતા. આ ભેજાબાજે જમીનની અવેજ પેટે એકપણ રૂપિયો આપ્યા ન હતો અને 135-ડીની નોટીસો ઉપર પણ સહી અંગુઠા કરાવી લીધા હતા.


દરમિયાન ગત 29મી ઓગસ્ટ 2019ના રોજ વિમલ રાજાણી અને તેના સાગરિતો સામે છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો નોંધાયો હતો. જો કે છેલ્લા છ વર્ષથી આરોપી નાસતો ફરતો હોવાથી તેને ઝડપી પાડવા ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા પેરોલ ફર્લો સ્કવોડના પી.આઇ. વી.જી. લાંબરીયાને સુચના આપવામાં આવી હતી. જેને પગલે એક ટીમને રાજકોટ રવાના કરવામાં આવતા આરોપી વિમલ રાજાણી સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર નજીક હીરાશ્રી એપાર્ટમેન્ટમાં રહેતો હોવાની બાતમીના આધારે દરોડો પાડી તેને ઝડપી પાડી પાડ્યો હતો. અને વાઘોડિયા પોલીસને હવાલે કરવામાં આવ્યો હતો.

વાઘોડિયા પોલીસ મથકના ઇન્સ્પેક્ટર પી.આર. જાડેજા દ્વારા તેની સઘન પુછપરછ હાથ ધરી તેના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. વાઘોડિયાના નવાપુરા ફળિયામાં રહેતા ગિરિશભાઇ પટેલની આ વડીલોપાર્જીત મિલ્કત હતી અને વાઘોડિયા નગરમાં રહેતા રાકેશ પટેલે સોદો કરાવ્યો હતો. જેથી વાઘોડિયા પોલીસે આ ગુનામાં નિખિલ જયંતિલાલ વાછાણી (રહે. આશુતોષ એપાર્ટમેન્ટ, રાજકોટ), મહીરસિંહ કાલીદાસ ચૌહાણ (રહે. અનગઢ) અને રાકેશ વલ્લભભાઇ પટેલની ધરપકડ કરી 2023માં તેમની સામે અદાલતમાં ચાર્જશીટ પણ દાખલ કરી હતી.

Share :

Leave a Comments