- સંસ્કૃતિની ધરોહર સાચવવી એ માત્ર શોખ નહીં, પરંતુ જવાબદારી છે : રાજ પંચાલ

વડોદરા જિલ્લાના કારેલીબાગ વિસ્તારના રહેવાસી ૬૭ વર્ષીય રાજભાઇ પંચાલ એક આર્ટ કલેક્ટર છે. તેઓના વિચાર, દૃષ્ટિ અને જીવનશૈલીથી આજે નવી પેઢી માટે પ્રેરણાસ્રોત બની રહ્યા છે. તેઓ છેલ્લા ૫૨ વર્ષથી એન્ટિક કલેક્શન કરી રહ્યા છે અને આજે તેમનું ઘર માત્ર રહેણાંક સ્થળ નહીં પરંતુ જીવતું મ્યુઝિયમ બની ગયું છે.




રાજભાઇ પંચાલની આ અનોખી યાત્રા પણ એટલી જ રસપ્રદ છે જેટલું તેમનું કલેક્શન. વર્ષ ૧૯૭૩માં કોલેજ જીવન દરમિયાન, તેમનો એક મિત્ર અચાનક કેટલાક દિવસ કોલેજ ન આવ્યો. તપાસ કરતાં ખબર પડી કે મિત્રના ઘરે ઇન્કમટેક્સની રેઇડ પડી હતી. તે રેઇડ દરમિયાન મિત્રના દાદાની ત્રણ પોકેટ વોચની કિંમત બહુ ઊંચી આંકવામાં આવી હતી. એ જ ક્ષણે પંચાલના મનમાં વિચાર આવ્યો જો આજે આ ઘડિયાળની કિંમત આટલી છે, તો ૫૦ વર્ષ પછી એ કેટલી કિંમત ધરાવશે? આ વિચાર જ તેમની એન્ટિક કલેક્શન યાત્રાનો આરંભબિંદુ બન્યો.


આજે અડધી સદી બાદ રાજભાઇ પંચાલ પાસે એન્ટિક વસ્તુઓનો એવો અદભુત ખજાનો છે કે જે કોઈને પણ આશ્ચર્યમાં મૂકી દે. તેમના કલેક્શનમાં ૧૫૦થી વધુ જાતના કેમેરા જેમા સ્પાય કેમેરા તથા દરેક કેમેરાના પ્યોર લેધર જેકેટ, રાજારામ મોહન રોય સહિત પ્રખ્યાત કલાકારોની ૨૦૦થી વધુ નાનીમોટી ઓઇલ પેઇન્ટિંગ, પૌરાણિક લીથો આર્ટની પેઇન્ટિંગ્સ, તે જમાનાના હેન્ડમેડ પેપર પર લખાયેલા વાર્તા પુસ્તકો અને ડાયરીઓ, એન્ટિક ક્રોકરી, રાજા-રાણીઓ ઉપયોગમાં લેતા પથ્થર જડેલા કંકુદાની અને બ્રોચ, એકથી લઈને એકવીસ મુખી સુધીના વિવિધ રુદ્રાક્ષ, જર્મનીની ટોય ટ્રેન, નારિયેળમાંથી બનેલા જૂના જમાનાના પાવાના પાણીના જગ, વિવિધ આર્ટિસ્ટિક એન્ટિક પીસ સામેલ છે.



આ સાથે જ તેમની પાસે વિવિધ રાજાઓની શકસંવતની સાલમાં બનેલી કુંડલીઓ, સન ૧૮૮૫ની સાલમાં બનેલો મેઇડ ઇન ઇંગ્લેન્ડ કંપાસ, સન ૧૮૩૨ની સાલમાં બનેલો મેઇડ ઇન યુએસએ મીની ટાઈપ રાઇટર અને સૌથી વિશેષ જે તેઓની એન્ટીક કલેકશનની પ્રેરણાસ્ત્રોત હતી એ ૨૫૦થી વધુ એન્ટિક હાથ અને પોકેટ વોચનો સંગ્રહ છે, જેમા મહારાનીઓની સોનાની ઘડીયાળો પણ સામેલ છે.



પંચાલે પોતાના ઘરને જ મ્યુઝિયમમાં ફેરવી દીધું છે. એન્ટિક પીસ મુકવા માટે ઘરના પ્રથમ માળ પર છત ૧૦ ફૂટ ઉંચી કરાવી છે. દરેક વસ્તુ કાચના કબાટમાં અત્યંત ચીવટપૂર્વક સજાવવામાં આવી છે. પૌરાણિક વસ્તુઓને ઉધઈથી બચાવવા માટે ઉત્તર ભારતથી ખાસ મંગાવેલી નિત્તરની સોટીઓથી વોલ બેકગ્રાઉન્ડ તૈયાર કરાયું છે, જે તેમની કાળજી અને સમર્પણ દર્શાવે છે. તેઓના ઘરની મુલાકાત લોકો અવારનવાર લેતા હોય છે જેના માટે રાજભાઇ પંચાલ કોઇ ફી પણ લેતા નથી. તેઓનું માનવુ છે કે, આ કલેકશન મારૂ નહી દેશ માટે છે. જેનો લાભ સૌએ લેવો જોઇએ.



રાજભાઇ પંચાલ વધુમાં જણાવ્યું હતું કે, સંસ્કૃતિની ધરોહર સાચવવી એ માત્ર શોખ નહીં, પરંતુ જવાબદારી છે. આપણે આ દુનિયામાંથી જઈએ ત્યારે આગળની પેઢીને કંઈક કલા, વારસો અને ઇતિહાસ આપતાં જવું જોઈએ. આ માન્યતા સાથે તેઓ આજે પણ પોતાની ધરોહરને જીવંત રાખી રહ્યા છે. રાજભાઇ પંચાલનો આ શોખ નવી પેઢીને પ્રેરીત કરે છે સાચવી રાખેલી દરેક વસ્તુ એક દિવસ ઇતિહાસ બની સમાજને પ્રેરણા આપી શકે છે.


