વડોદરા કોર્પોરેશનના ટેક્સ વિભાગે મકરપુરા એસટી ડેપોની ઓફિસ સીલ કરી, વેરો નહીં ભરતા કાર્યવાહી

વડોદરા પાલિકાની વેરા વસૂલાત ઝુંબેશ અંતર્ગત સરકારી મિલકતો સામે કડક પગલાં લેવાનું શરૂ

MailVadodara.com - Vadodara-Corporations-tax-department-seals-Makarpura-ST-depot-office-action-taken-against-non-payment-of-tax

- રૂપિયા 1.14 કરોડથી વધુના બાકી મિલકત વેરા મામલે ટેક્સ વિભાગની કડક કાર્યવાહી

વડોદરા મહાનગરપાલિકાએ બાકી વેરા વસૂલાત માટે શરૂ કરેલી ઝુંબેશ હેઠળ હવે સરકારી મિલકતો સામે પણ કડક પગલાં લેવાની શરૂઆત કરી છે. શહેરના દક્ષિણ વિસ્તારમાં આવેલા મકરપુરા એસ.ટી. ડેપોની મિલકત પર સોમવારે પાલિકાના ટેક્સ વિભાગે ત્રાટકી કાર્યવાહી કરી અને મિલકતના મુખ્ય ભાગોને સીલ મારી દીધા હતા.


માહિતી મુજબ મકરપુરા બસ ડેપો નજીક આવેલી ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC)ની મિલકત પર અંદાજે રૂપિયા 1,14,34,000 જેટલો મિલકત વેરો લાંબા સમયથી બાકી હતો. પાલિકાની તરફથી વારંવાર મૌખિક અને લેખિત નોટિસો પાઠવ્યા છતાં વેરાની ભરપાઈ ન થતાં અંતે આકરું પગલું ભરવું પડ્યું હતું.


સોમવારે સવારે પાલિકાના વોર્ડ નં. 18ના ટેક્સ વિભાગની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે સ્થળ પર પહોંચી હતી. અધિકારીઓએ ડેપો પરિસરમાં આવેલી વહીવટી ઓફિસ સહિત મિલકતના કેટલાક ભાગોને સીલ કરીને જપ્તીની કાર્યવાહી હાથ ધરી હતી.


પાલિકાના કમિશનરે અગાઉ જણાવ્યું હતું કે, બાકી વેરો ધરાવતા મિલકતધારકો તાત્કાલિક વેરો ભરશે તો તેમને વ્યાજ માફીનો લાભ પણ મળી શકે છે. જોકે વેરો ભરવામાં આનાકાની કરનાર એકમો સામે સીલિંગ અને જપ્તીની કાર્યવાહી કરવામાં આવશે. નાણાકીય વર્ષના અંતિમ તબક્કામાં પાલિકા તેની આવક વધારવા માટે બાકીદારો પાસેથી વસૂલાત કરવા કટિબદ્ધ હોવાનું પણ કમિશનરે જણાવ્યું હતું. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે સરકારી હોય કે ખાનગી, કોઈ પણ મિલકતધારક વેરો ભરવામાં ઢીલ કરશે તો તેની સામે સમાન રીતે કાર્યવાહી થશે.


મકરપુરા બસ ડેપો પર થયેલી સીલિંગ કાર્યવાહી બાદ શહેરના અન્ય મોટા બાકીદારોમાં પણ ફફડાટ જોવા મળી રહ્યો છે. નોંધનીય છે કે છેલ્લા કેટલાક દિવસોથી વડોદરા મહાનગરપાલિકા દ્વારા કોમર્શિયલ મિલકતોના જોડાણો કાપવા અને મિલકતોને સીલ કરવાની કાર્યવાહી વધુ તેજ બનાવવામાં આવી છે.


Share :

Leave a Comments