- વર્ષ 2024-25 સુધીના મિલકત વેરાના બીલમાં ફક્ત વ્યાજની રકમ બાકી હશે તો આ યોજનાનો લાભ અપાશે
- વેરાના બીલમાં ફકત વ્યાજની રકમ બાકી હશે તો 100% રકમ રિબેટ તરીકે અપાશે
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રોપર્ટી ટેક્સ એટલે કે મિલકત વેરાના પાછલા વર્ષના બાકી રહેલા વેરામાં વ્યાજ માફી યોજના શરૂ કરવામાં આવશે. સ્ટેન્ડિંગ સમિતિમાં આ માટેની દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે. ચાલુ નાણાકીય વર્ષ પૂરું થવા આડે હવે ગણતરીના મહિના બાકી રહ્યા છે ત્યારે કોર્પોરેશન દ્વારા બાકી વેરાની વસુલાત માટે કડકાઇથી કામગીરી કરવામાં આવતી હોવા છતાં મિલ્કતો બંધ રહેતી હોવાના કારણે, કોર્ટ કેસ, લીકવીડેશન, રેવન્યુ દાવા જેવા વિવિધ કારણોસર વેરા વસુલ કરવાના બાકી રહે છે. જેથી આવી મિલકતોના બાકી વેરાની વસૂલાત થાય અને ખાતા સેટલ થતા જાય તે માટે પાછલા બાકી વેરામાં વ્યાજ માફી યોજના લાગુ કરવા જરૂરી જણાયું છે.
ભાડા આકારણી પધ્ધતિ મુજબ તા.1-4-2003 સુધીનો ભાડા આકારણીનો કર આ યોજનાની જાહેરાત બાદ તા.31-03-2026 સુધીમાં એક સાથે ભરે તો નોટિસ ફી, વોરંટ ફી, અને જાહેરાત ખર્ચની 100% ની રકમ રિબેટ તરીકે આપવામાં આવશે. મિલકત વેરા પેટેની વ્યાજની રકમમાં ૧૦૦% રકમ રિબેટ તરીકે આપવામાં આવશે. વેરાના બીલમાં ફકત વ્યાજની રકમ બાકી હોય તો વ્યાજની રકમમાં પણ 100% રકમ રિબેટ તરીકે આપવામાં આવશે. ટેક્ષ અપીલ, તેમજ રીટર્ન થયેલા ચેકની ડિમાન્ડ ચઢાવેલી હશે તો તેઓને પણ વ્યાજની રકમમાં ઇન્સેન્ટીવ રીબેટ યોજનાનો લાભ આપવામાં આવશે. ફક્ત ભાડા આકારણી પધ્ધતિની પાછલી બાકી રકમ ભરપાઈ કરનાર કરદાતાઓને પણ આ યોજનાનો લાભ આપવામાં આવશે. એ જ પ્રમાણે ક્ષેત્રફળ આધારિત આકારણી પધ્ધતિ માટે આ યોજના લાગુ કરવામાં આવશે.
ક્ષેત્રફળ આધારિત આકારણી પધ્ધતિ વર્ષ 2003-04થી અમલમાં મુકવામાં આવેલી છે. જેમાં 2003-04 થી 2024-25 સુધી વેરામાં કરદાતાઓને ઇન્સેન્ટીવ રીબેટ યોજનાનો લાભ આપી વેરા વસુલાતની કાર્યવાહી કરાશે. તમામ રહેણાંક મિલ્કતોની પાછલી બાકી રકમ પર ચઢેલ વ્યાજની રકમમાં 80% રકમ રિબેટ તરીકે આપવામાં આવશે. જ્યારે કોમર્શિયલ મિલ્કતો માટે 60% રકમ રિબેટ તરીકે અપાશે. વર્ષ 2024-25 સુધીના મિલકત વેરાના બીલમાં જો ફક્ત વ્યાજની રકમ બાકી હશે તો આ યોજનાનો લાભ અપાશે.


