હરણી એરપોર્ટ પર આવનાર આજે સવારની ઈન્ડિગો એરલાઇન્સની બે ફ્લાઈટ ઓપરેશનલ કારણોસર રદ

મુંબઈ અને દિલ્હીથી વડોદરા આવનાર બંને ફ્લાઈટ અચાનક રદ થતાં મુસાફરો અટવાયા હતા

MailVadodara.com - Two-IndiGo-Airlines-flights-arriving-at-Harni-Airport-this-morning-have-been-cancelled-due-to-operational-reasons

- એરલાઈન્સ અને એરપોર્ટ ઓથોરિટી દ્વારા આ મુસાફરો માટે વૈકલ્પિક વ્યવસ્થાના ભાગ રૂપે આવનાર અન્ય ફાઈટમાં મોકલવા વ્યવસ્થા કરાશે અથવા રિફંડ પણ આપવામાં આવશે

વડોદરાના હરણી એરપોર્ટ પર આવનાર સવારની ઈન્ડિગો એરલાઇન્સની બે ફલાઈટ અચાનક રદ થતા મુસાફરો પરેશાન જોવા મળી રહ્યા છે. બંને ફ્લાઇટ ઈન્ડિગો એરલાઈન્સની છે. મુંબઈ અને દિલ્હીથી આવનાર બંને ફ્લાઈટ રદ થતા મુસાફરો અટવાયા છે, જો કે એરલાઈન્સ અને એરપોર્ટ ઓથોરિટી દ્વારા આ મુસાફરો માટે વૈકલ્પિક વ્યવસ્થાના ભાગ રૂપે આવનાર અન્ય ફાઈટમાં મોકલવા વ્યવસ્થા કરાઈ છે. સાથે મુસાફરોને વૈકલ્પિક વ્યવસ્થા અનુસાર રિફંડ પણ આપવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે.

વડોદરા એરપોર્ટ પર ઇન્ડિગો એરલાઇન્સની સવારે 7.20 કલાકે આવનાર ફ્લાઇટ 6E-5126 / 6087 મુંબઈ-વડોદરા-મુંબઈ અને દિલ્હીથી સવારે 7.45 વાગે આવનાર ફ્લાઇટ 6E-5066/6662 દિલ્હી-વડોદરા-દિલ્હી ઓપરેશનલ કારણોસર રદ કરવામાં આવી છે. આ બંને ફ્લાઈટમાં આવનાર અને જનાર મુસાફરો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવશે તેવી એરપોર્ટ ઓથોરિટી દ્વારા જાહેરાત કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે હાલમાં ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઈટ શા માટે રદ થાય છે તેની પુષ્ટી માત્ર ઓપરેશનલ કારણોસર બતાવવામાં આવે છે. અમદાવાદમાં એર ઈન્ડિયા એરલાઈન્સની ફ્લાઈટમાં થયેલ દુર્ઘટના બાદ હવે ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઈટ સતત રદ થઈ રહી છે ત્યારે ચોક્કસથી ટેક્નિકલ ખામીઓ અને અન્ય સિક્યુરિટી કારણોસર આ ફ્લાઈટ ઉડાન ભરતી નથી તે સ્પષ્ટ જણાઈ રહ્યું છે. હાલમાં એરલાઈન્સ પાસે એરક્રાફ્ટ ન હોવાની પણ વિગતો એરપોર્ટ ઓથોરિટીના સૂત્રો પાસે મળી રહી છે.

ઉલ્લેખનીય છે કે, 5 દિવસ પહેલાં પણ વડોદરા એરપોર્ટ પર આવનાર મુંબઈની ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઇટ રદ્દ કરવામાં આવી હતી. આ ફ્લાઇટ મુંબઈથી વડોદરા રાત્રે 8.05 કલાકે આવે છે, જે ઓપરેશન રિઝનના કારણે રદ્દ કરવામાં આવી હતી.

Share :

Leave a Comments