વડોદરા મહાનગરપાલિકાની ડ્રેનેજ પ્રોજેક્ટ શાખા દ્વારા શહેરના વિશ્વામિત્રી રેલવે સ્ટેશનથી સન સિટી સર્કલ તરફના માર્ગ પર નવી ડ્રેનેજ ગ્રેવિટી મેઇન લાઇન નાખવાની હોવાથી રસ્તો બંધ કરવા અંગેની નોટિફિકેશન જારી કરવામાં આવી છે.
આ કામગીરી માટે ઇજારદાર દ્વારા હેવી મશીનરીનો ઉપયોગ, મજૂરો તેમજ કારીગરોની અવરજવર અને કામ માટે જરૂરી સામગ્રીના સંગ્રહને કારણે વિશ્વામિત્રી સ્ટેશનથી સન સિટી સર્કલ તરફ જતા માર્ગનો પ્રમુખ દર્શન સોસાયટી સુધીનો ડામરવાળો કેરેજવે ભાગ કામગીરી પૂર્ણ થાય ત્યાં સુધી તમામ પ્રકારના વાહનો માટે બંધ રાખવામાં આવશે.
આ કામગીરી દરમિયાન અહીંયા જરૂરિયાત મુજબ વાહન-વ્યવહાર પર પ્રતિબંધ મૂકવામાં આવશે. નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે, તેઓ વૈકલ્પિક માર્ગોનો સાવચેતી પૂર્વક ઉપયોગ કરે અને કામગીરી અત્યંત ઊંડાણવાળી હોવાથી જાહેર જનતા બંધ કરાયેલા માર્ગના પ્રતિબંધિત વિસ્તારમાં પ્રવેશ ન કરે તેમજ યોગ્ય સુરક્ષિત અંતર જાળવી રાખે તે જરૂરી છે.


