- ઉપરવાસમાંથી પાણીની આવક ચાલુ હોવાથી હજી સપાટી વધી રહી છે, વડોદરાની સાથે સાથે શનિવારની મધરાતે આજવા સરોવર અને તેના ઉપરવાસમાં પણ ભારે વરસાદ નોંધાયો હતો
વડોદરામાં રવિવારની વહેલી પરોઢે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો, જેના કારણે વિશ્વામિત્રી નદીમાં પાણીની સપાટીમાં ત્રણ ફૂટ જેટલો વધારો નોંધાયો હતો. ઉપરવાસમાંથી આવક ચાલુ હોવાથી હજી સપાટી વધી રહી છે. વડોદરાની સાથે સાથે શનિવારની મધરાતે આજવા સરોવર અને તેના ઉપરવાસમાં પણ ભારે વરસાદ નોંધાયો હતો.
હાલોલમાં આશરે પાંચ ઇંચ વરસાદ નોંધાતા પાણી પ્રતાપપુરા સરોવર તરફ વહેતું થયું હતું. હાલોલનું પાણી આમ પણ પ્રતાપપુરા સરોવરમાં ઠલવાય છે. જેના કારણે પ્રતાપપુરા સરોવરની સપાટી 229 ફૂટને પણ વટી ગઈ હતી. બીજી તરફ આજવા સરોવરમાં પણ સપાટી 213 ફૂટને લગોલગ પહોંચી ગઈ છે. આજવા સરોવરમાં 30 સપ્ટેમ્બર સુધી 213 ફૂટનું લેવલ જાળવી રાખવાનું હોય છે. પ્રતાપપુરાનો એક રેડિયલ ગેટ ખોલવામાં આવતા તેના કારણે વિશ્વામિત્રીમાં સપાટી વધી રહી છે. બીજી બાજુ પ્રતાપપુરાની સપાટી ઘટીને 227.12 ફૂટ થઈ હતી. બપોરે વિશ્વામિત્રીની સપાટી 10.47 ફૂટ હતી. આજે સવારે આ સપાટી 9.37 ફૂટ હતી, એટલે કે બપોર સુધીમાં એક ફૂટનો વધારો થયો છે.


