બાપ્પાની પ્રતિમા પર ઇંડા ફેંકનાર આરોપીઓને દોરડાથી હાથ બાંધી ઘૂંટણિયે પાડી માફી મંગાવી

25મી રાત્રે પાણીગેટમાં ગણપતિની મૂર્તિ પર એક સગીર સહિત ૩ આરોપીએ ઈંડા ફેંક્યાં હતાં!

MailVadodara.com - The-accused-who-threw-eggs-at-Bappas-statue-were-tied-with-ropes-and-forced-to-kneel-and-apologize

- પોલીસે બિલ્ડિંગના તમામ ફ્લેટમાં ફ્રિજ-કિચન સહિત ક્યાં ઈંડાં પડ્યાં તેની તપાસ કરી હતી

- આરોપીઓ પતરાં પર ચઢી અમીન ચેમ્બર્સના ધાબેથી મદાર માર્કેટના ધાબે પહોંચ્યા હતા!


ગણેશ ચતુર્થીના એક દિવસ પહેલાં જ શહેરની શાંતિ ડહોળવાનો પ્રયાસ થયો હતો. પાણીગેટ મદાર માર્કેટના ધાબેથી 25 ઓગસ્ટની રાત્રે માંજલપુર નિર્મલપાર્ક યુવક મંડળ સહિત ગણપતિની મૂર્તિ પર ઈંડા ફેંકવામાં આવ્યાં હતાં. જેને પગલે જોતજોતામાં આખા વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. પોલીસ સ્ટેશનથી ફક્ત 100 ફૂટ દૂર જ ઘટના બનતાં સમગ્ર વિસ્તારમાં તંગદિલી વ્યાપી ગઈ હતી.

પોલીસે ગણેશ ચતુર્થીના દિવસે જ આરોપી સુફિયાન મન્સૂરી અને શાહનવાઝ કુરેશીનું સીટી પોલીસ મથક વિસ્તારમાં રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે. આ દરમિયાન બંને આરોપીઓ હાથ જોડીને ઘૂંટણિયે પડી માફી મંગાવી હતી.


માંજલપુર નિર્મલપાર્ક સોસાયટીમાં રહેતા ચંદ્રસિંહ ચૌહાણ સહિત મંડળના 20 સભ્યો ગણપતિની મૂર્તિ લઈને રાત્રે 2-45 વાગ્યાના અરસામાં પાણીગેટ મદાર માર્કેટ પાસે પહોંચ્યા હતા. જ્યાં તેમની ઉપર તથા ગણપતિની મૂર્તિ પર 5 ઈંડાં ફેંકી નિંદનીય કૃત્ય કરાયું હતું. આ ઘટનામાં 1 ઈંડું શ્રીજીના હાથ પર પડ્યું હતું. આ મામલે સિટી પોલીસ સ્ટેશનમાં ધાર્મિક લાગણી દુભાવવાનો, ધર્મના અપમાન બદલ ગુનો નોંધ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચે બે યુવક અને એક સગીરને પકડી પાડ્યા હતા.


આરોપીઓએ કહ્યું કે, તે ત્રણેય મિત્ર છે. તેમણે મસ્તીમાં ટીખળના ઈરાદે પસાર થઈ રહેલી ગણપતિની મૂર્તિ પર ઈંડાં ફેંક્યાં હતાં. જોકે પોલીસ વધુ તપાસ કરી રહી છે. બીજી બાજુ મંડળ તેમજ વિશ્વ હિન્દુ પરિષદે આ પૂર્વ આયોજિત કાવતરું હોવાની શંકા વ્યક્ત કરી હતી. ઘટના બાદ પોલીસે કોમ્બિંગ કરીને મદાર માર્કેટ નજીકનાં 100થી વધુ ઘરની તપાસ કરી હતી. પોલીસે ભાડા કરાર ન કર્યો હોવાના 12 કેસ કર્યા હતા તેમજ એક હિસ્ટ્રીશીટર સામે કાર્યવાહી કરી હતી. તપાસમાં 200થી વધુ પોલીસના અધિકારી, કર્મીઓ જોડાયા હતા.

મદાર મહોલ્લામાં રહેતી મહિલાએ કહ્યું કે, બિલ્ડિંગના તમામ ફ્લેટમાં ફ્રિજ સહિત કિચન સહિત ક્યાં ઈંડાં પડ્યાં તેની પોલીસે તપાસ કરી હતી. કોઈ પણ શંકાસ્પદ જણાતાં તેમને રાઉન્ડ અપ કરી પૂછપરછ કરી હતી.


બે યુવક અને સગીર 5 ઈંડાં લાવ્યાં હતાં. મદાર માર્કેટ તથા તેની બાજુમાં અમીન ચેમ્બર્સ બંનેના ધાબા લોક હોય છે. આરોપીઓ ઈંડાં લઈને જોખમી રીતે પતરાઓ પર ચડી અમીન ચેમ્બર્સના ધાબે પહોંચ્યા હતા અને ત્યાંથી મદાર માર્કેટના ધાબે જતા રહ્યા હતા. આ દરમિયાન શ્રીજીની મૂર્તિ આવતાં તેમણે ઈંડાં ફેંકવાનું શરૂ કરી દીધું હતું. ત્યારબાદ આરોપીઓ નીચે ઊતરીને પાછળના રસ્તેથી પાણીગેટ તરફ જતા રહ્યા હતા. સુફિયાન ભરૂચ જતો રહ્યો હતો, જ્યારે સગીર અને શાહનવાઝ શહેરમાંથી જ પકડાયા હતા.

રૂપેશ મિસ્ત્રીએ કહ્યું કે, શ્રીજીની મૂર્તિ પર ઈંડું પડ્યું હોવાથી તેને તાત્કાલિક સુરક્ષિત સ્થળે માંડવી લઈ જવાઈ હતી. જ્યાં ગંગાજળથી મૂર્તિને સાફ કરાઈ હતી. પોલીસ દ્વારા મૂર્તિને પ્રતાપનગર પોલીસ હેડ ક્વાર્ટર લઈ જવાઈ હતી અને ત્યાં મૂર્તિનું એફએસએલ પરીક્ષણ કરાયું હતું. ત્યારબાદ મંડળના સભ્યો મંગળવારે સાંજે મૂર્તિ પરત લઈ આવ્યા હતા. મૂર્તિનું વિસર્જન કરી દેવાશે, અમે નવી મૂર્તિ લાવ્યા છીએ, તેની આગમન યાત્રા કઢાશે.

Share :

Leave a Comments