- તસ્કરો તિજોરીમાંથી સોનાની બુટ્ટી, સોનાની બંગડી, ચાંદીના સિક્કા તેમજ રોકડા રૂપિયા ૫૦ હજાર મળી કુલ રૂપિયા ૧.૨૦ લાખની મત્તા ચોરી ગયાનું બહાર આવ્યું
શહેરના ઇલોરાપાર્ક વિસ્તારમાં આવેલ એમ.આઈ.જી. ફ્લેટમાં તસ્કરો વૃધ્ધાના બંધ મકાનને નિશાન બનાવી સોના-ચાંદીના ઘરેણા અને રોકડ રકમ સહિત કુલ રૂપિયા ૧.૨૦ લાખની મત્તા ચોરી ફરાર થઈ ગયા છે.
ગોત્રી વિસ્તારમાં રહેતા ૬૧ વર્ષના ગીતાબેન ક્રિશ્ચિયનનું જૂનું મકાન ઇલોરાપાર્ક એમ.આઈ.જી. ફ્લેટ ખાતે આવેલું છે. ગઈ તા. ૬ ડિસેમ્બરે બપોરે ૨.૩૦ કલાકે ગીતાબેન તેમના ઈલોરાપાર્કના મકાનને લોક કરી ગોત્રી સ્થિત મકાને ગયા હતા.
બીજા દિવસે સવારે ઈલોરાપાર્કના મકાનમાં ચોરી થયાની જાણ થઈ હતી. તપાસ કરતા રસોડાની બારી તૂટેલી જોવા મળી હતી અને ઘરનો સામાન વેરવિખેર હતો. તિજોરીમાંથી સોનાની બુટ્ટી, સોનાની બંગડી, ચાંદીના સિક્કા તેમજ રોકડા રૂપિયા ૫૦ હજાર મળી કુલ રૂપિયા ૧.૨૦ લાખની મત્તા ચોરી થયાનું બહાર આવ્યું હતું. ફરિયાદી લગ્ન પ્રસંગમાં વ્યસ્ત હોવાથી ફરિયાદ નોંધાવવામાં થોડો વિલંબ થયો હોવાનું જાણવા મળ્યુંછે. ફરિયાદના આધારે ગોરવા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


