- પડોશીએ ઘરનાં બારણા ખુલ્લાં જોવા મળતાં પરિવારને જાણ કરતાં મામલો બહાર આવ્યો
- તસ્કરો તિજોરીમાંથી સોનાના આશરે 170 ગ્રામ દાગીના, ચાંદીના આશરે 800 ગ્રામ દાગીના તથા રોકડા રૂ.2 લાખ મળી રૂ.9.90 લાખની મત્તા ચોરી થયેલી હોવાનું સામે આવ્યું

વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં આવેલા મનોકામના સોસાયટીમાં પરિવાર સામાજિક પ્રસંગે મહારાષ્ટ્ર ગયો હોય તે દરમિયાન અજાણ્યા તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી આશરે રૂ.9.90 લાખની મત્તાની ચોરી કરી ફરાર થઈ જતાં વિસ્તારમાં ચકચાર મચી છે. ઘટનાની જાણ પડોશીએ ઘરનાં બારણા ખુલ્લાં જોવા મળતાં પરિવારને કરતાં સમગ્ર મામલો બહાર આવ્યો હતો.


ફરિયાદી દિનેશભાઈ પરશુરામ સિરસાટ (ઉ.વ.59), રહે. મકાન નં. ડી-20, મનોકામના સોસાયટી, વિભાગ-1, સોમનાથનગર સામે, તરસાલી, વડોદરા, મૂળ પરિવાર સાથે રહે છે અને સુસેન ચાર રસ્તા નજીક આવેલી બંડી ઈન્ડિયા કંપનીમાં મશીન ઓપરેટર તરીકે નોકરી કરે છે. તેઓ પરિવાર સાથે તા.23 મેના રોજ સાંજે મહારાષ્ટ્રના શિડપુર ખાતે સામાજિક પ્રસંગે ગયા હતા.


આ દરમિયાન તા.25 મેની વહેલી સવારે પડોશી રીનાબેન પટેલે તેમના પુત્ર આકાશને ફોન કરી ઘરનાં ઉપર અને નીચેના બારણા ખુલ્લાં હોવાનું જણાવ્યું હતું. જેથી પરિવારને શંકા જતાં તેઓ તાત્કાલિક વડોદરા પરત ફર્યા હતા. બપોરે ઘરે પહોંચતાં ગ્રાઉન્ડ ફ્લોર તથા પહેલા માળના દરવાજા અને લોખંડની જાળીનાં તાળા તૂટેલા હાલતમાં મળી આવ્યા હતા. ઘરમાં પ્રવેશતાં તિજોરીઓ અને કબાટનો સામાન વેરવિખેર હાલતમાં જોવા મળ્યો હતો. તપાસ દરમિયાન તિજોરીમાંથી સોનાના આશરે 170 ગ્રામ દાગીના, ચાંદીના આશરે 800 ગ્રામ દાગીના તથા રોકડા રૂ.2 લાખ મળી રૂ.9.90 લાખની મત્તા ચોરી થયેલી હોવાનું સામે આવ્યું હતું. ચોરીમાં રાણીહાર, મંગળસૂત્ર, વીંટીઓ, સોનાના બિસ્કિટ, કાનની બુટ્ટી, ચાંદીના પાયલ અને બેલા સહિતના દાગીનાનો સમાવેશ થાય છે. બનાવ અંગે પોલીસે અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


