- ચોર ટોળકી ઘરમાંથી સોનાના ત્રણ તોલા ઉપરાંત વજનના દાગીના, ચાંદીના સિક્કા અને રોકડા 7 હજાર મળીને કુલ રૂપિયા 1.87 લાખની મતા ચોરી ગઇ
વડોદરામાં પ્રતાપ નગર રેલવે કોલોનીના બંધ મકાનમાંથી ચોર ટોળકી સોના ચાંદીના દાગીના મળી 1.87 લાખની મતા ચોરી ગઇ હતી. જે અંગે મકરપુરા પોલીસે ગુનો દાખલ કર્યો છે.
પ્રતાપ નગર રેલવે કોલોનીમાં રહેતા મણીભાઇ મગનભાઇ સુનેસરા રેલવે કંટ્રોલ રૂમની ડી.આર.એમ. ઓફિસ ખાતે નોકરી કરે છે. ગત 26મી તારીખે સાંજે પાંચ વાગ્યે તેઓ મકાનને તાળું મારીને પરિવાર સાથે વતન મહેસાણા જવા નીકળ્યા હતા. રાતે તેઓ અમદાવાદ સાસરીમાં રોકાયા હતા. રાતે તેમના બંધ મકાનને નિશાન બનાવીને ચોર ટોળકી ચોરી કરીને ફરાર થઇ ગઇ હતી. પાડોશીએ ચોરીની જાણ કરતા તેઓ પરત વડોદરા આવ્યા હતા. ચોર ટોળકી ઘરના દરવાજાનો નકૂચો કાપીને અંદર ઘૂસી હતી. ઘરમાં તિજોરીના ડ્રોવર ખુલ્લી હાલતમાં હતા. તપાસ કરતા જાણવા મળ્યું કે, ચોર ટોળકી ઘરમાંથી સોનાના ત્રણ તોલા ઉપરાંત વજનના દાગીના, ચાંદીના સિક્કા અને રોકડા 7 હજાર મળીને કુલ રૂપિયા 1.87 લાખની મતા ચોરી ગઇ હતી.


