વાઘોડિયા રોડ પરની સોસાયટીમાં ચોરી, દાગીના અને રોકડ સહિત 1.50 લાખથી વધુ લઈને તસ્કરો રફૂચક્કર

પોલીસ પેટ્રોલિંગના દાવા પોકળ, પરિવાર અન્ય ફ્લેટ પર ગયો ને તસ્કરો ઘરમાં ત્રાટક્યા

MailVadodara.com - Smugglers-steal-more-than-Rs-1-50-lakh-including-jewellery-and-cash-from-society-on-Waghodia-Road

- દંપતી ઘરે પરત આવ્યા ત્યારે ચોરીની જાણ થઈ, અજાણ્યા ચોર શખસોને ઝડપી પાડવા કવાયત

વડોદરામાં છેલ્લા એક બે મહિનાથી ચોરીના બનાવો વધી રહ્યા છે. જાણે ચોરોને પોલીસનો ડર ન હોય તેમ અનેક જગ્યાએ ચોરીના બનાવો સામે આવી રહ્યા છે. ગતરોજ વાઘોડિયા રોડ પર આવેલી નટરાજ નગર સોસાયટીમાં તસ્કરોએ એક બંધ મકાનને નિશાન બનાવી મકાનમાંથી લાખો રૂપિયાના દાગીના અને રોકડ રકમની ચોરી કરી હોવાની ઘટના સામે આવી છે. આ અંગેની પોલીસને જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી.


વાઘોડિયા રોડ પર કલા દર્શન ચાર રસ્તા પાસે આવેલી નટરાજ નગર સોસાયટીમાં આ ચોરીની ઘટના સામે આવી છે. સોસાયટી મુખ્ય માર્ગ પર આવેલી હોવા છતાં તસ્કરોએ બેફામપણે ચોરીને અંજામ આપી મકાનમાંથી 6.5 તોલા સોનાના દાગીના અને 1.50 લાખ રોકડની થઇ ચોરી કરીને ફરાર થઈ ગયા હતાં. આ મકાન સાગર સુરેશભાઈ ધોબી નામના વ્યક્તિનું છે જ્યાં મોટી ચોરીની ઘટના સામે આવી છે.

પરિવારના જણાવ્યા અનુસાર, તેઓ ગત રાત્રે વાઘોડિયા રોડ પર આવેલા અન્ય એક ફ્લેટમાં રોકાયા હતા. સવારે જ્યારે દંપતી ઘરે પરત આવ્યા ત્યારે તેઓને ચોરીની જાણ થઈ હતી. તસ્કરોએ ઘરના તાળાં તોડી અંદર પ્રવેશી તિજોરી ખોલીને સોનાના દાગીના અને રોકડ રકમ ઉઠાવી પલાયન થઈ ગયા હતા.

પરિવારે આ મામલે તાત્કાલિક પાણીગેટ પોલીસ સ્ટેશનને જાણ કરી હતી. પોલીસે સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી હતી, આ બનાવમાં પોલીસે આસપાસના સીસીટીવી ફુટેજ ફંગોળી તપાસ હાથ ધરી હતી. આ મામલે પોલીસે અજાણ્યા ચોર શખસોને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે.

Share :

Leave a Comments