- વડોદરા શહેર-જિલ્લામાં ભક્તિભાવ અને શ્રદ્ધાપૂર્વક શ્રદ્ધાળુઓ શિવાલયમાં પહોંચ્યા
દેવાધિદેવ મહાદેવની આરાધના કરવાના પવિત્ર શ્રાવણ માસનો આજથી પ્રારંભ થયો છે. વડોદરા શહેર-જિલ્લામાં ભક્તિભાવ અને શ્રદ્ધાપૂર્વક શ્રદ્ધાળુઓ શિવાલયમાં પહોંચ્યા છે. બમ બમ ભોલેના નાદથી શિવાલયોથી ગુંજી ઉઠ્યા છે. વડોદરા શહેર-જિલ્લામાં આવેલા પ્રસિદ્ધ શિવાલયોમાં આજે (25 જુલાઈ) શ્રાવણ માસના પ્રારંભે ભક્તોની ભીડ જોવા મળી રહી છે. વડોદરા શહેરમાં આવેલ મોટાનાથ, ભીમનાથ મહાદેવ, લકુલીશ, ઋણ મુક્તેશ્વર મહાદેવ, કાશી વિશ્વનાથ મહાદેવ વ્યાસેશ્વર મહાદેવ, જિલ્લાના કુબેર ભંડારી સહિત નાના-મોટા શિવાલયોમાં સવારથી શ્રદ્ધાળુઓનો અભિષેક અને દર્શન માટે ધસારો જોવા મળી રહ્યો છે.

આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે. આજે સોમવારનો દિવસ ન હોવાથી ભક્તિની સંખ્યામાં થોડો ઘટાડો જોવા મળ્યો હતો. મંદિરોમાં ભગવાન શિવજી ઉપર અભિષેક કરવા માટે શ્રદ્ધાળુઓ વહેલી સવારથી જ ઉમટી પડ્યા હતા. પવિત્ર શ્રાવણ માસનો પ્રથમ દિવસ હોવાથી શિવાલયોમાં ભક્તો ભગવાન ભોળાનાથના પૂજન-અભિષેક-દર્શન માટે વહેલી સવારથી ભક્તિભાવનો માહોલ છવાયો છે. શ્રાવણ મહિના દરમિયાન સોમવારનો દિવસ ભગવાન શંકરની ઉપાસના માટે અનન્ય માહાત્મ્ય ધરાવતો હોય છે, ત્યારે આવનાર પ્રથમ સોમવારે ભક્તિનો ઘોડાપુર મંદિરોમાં જોવા મળશે.
શહેર-જિલ્લામાં આવેલાં શિવાલયોમાં વહેલી સવારથી જ શિવજીના પૂજન-અર્ચન-અભિષેક અને દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. શિવભક્તોએ શિવલિંગ પર ઓમ નમ શિવાયના મંત્રોચ્ચાર સાથે દૂધ-જળનો અભિષેક કરીને તેમજ બીલીપત્ર અને ફૂલ ચડાવી શિવજીની આરાધના કરી હતી. શિવાલયોમાં આજે યોજાયેલા રુદ્રાભિષેક, લઘરુદ્ર સહિતનાં અનુષ્ઠાનોમાં ભક્તોએ ઉમળકાભેર ભાગ લીધો હતો.
આજે વહેલી સવારથી મોડીરાત સુધી શ્રદ્ધાળુઓની સતત આવન-જાવન દરમિયાન લાઉડ સ્પીકરમાંથી વાગતા શિવ મહિમ્ન સ્તોત્ર, શિવ બાવની, શિવ પંચાક્ષર સ્તોત્ર સહિત શિવજીનાં ભક્તિગીતોથી શિવાલયમાં ભક્તિનો માહોલ સર્જાયો છે. આગામી પ્રથમ શ્રાવણ માસના સોમવારે વિવિધ શિવ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળશે.


