- ફરિયાદીનું ક્રેડિટ કાર્ડ મેળવી આરોપીએ તેમાંથી રોકડ ઉપરાંત iPhone-17 મોબાઇલ ખરીદ્યો હતો
- આરોપી ભાડાનું મકાન રાતોરાત ખાલી કરી ફરાર, વેપારીની ફતેગંજ પોલીસમાં ફરિયાદ
વડોદરા શહેરના નવાયાર્ડ વિસ્તારમાં બેંકમાંથી લોન અને સરકારી સબસિડી અપાવવાની લાલચ આપીને એક ગઠિયાએ નાસ્તાની લારી ચલાવતા વેપારી સહિત 7 લોકોને વિશ્વાસમાં લઈ કુલ 3.61 લાખ રૂપિયાની છેતરપિંડી આચરી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આરોપીએ 4 લાખ રૂપિયાની લોન તેમજ 30 ટકા સબસિડી અપાવવાની ખાતરી આપી લોકો પાસેથી રોકડ, ક્રેડિટ કાર્ડ અને મોંઘા મોબાઈલ પડાવી લીધા હતા. આર્થિક ઉચાપત કર્યા બાદ આરોપી પોતાનો મોબાઈલ સ્વિચ ઓફ કરી ભાડાનું મકાન ખાલી કરીને ફરાર થઈ જતાં ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
નવાયાર્ડ નાકા પાસે કુંજ એવન્યુ નીચે છેલ્લા 12 વર્ષથી નાસ્તાની લારી ચલાવતા સંદીપભાઈ પ્રજાપતિ સાથે આરોપી નિલેશભાઈ ચંદુભાઈ પટેલે અવારનવાર નાસ્તો કરવા આવવાના બહાને ગાઢ મિત્રતા કેળવી હતી. આરોપીએ પોતે બેંકમાંથી સરળતાથી લોન અપાવતો હોવાનો દાવો કર્યો હતો અને રાજપીપળા ખાતે પોતાની માલિકીની જમીન હોવાનું જણાવી લોન પેટે સિક્યુરિટી તરીકે તે જમીન મૂકવાની ખાતરી આપી વિશ્વાસ કેળવ્યો હતો.
આરોપીએ સંદીપભાઈને 4 લાખ રૂપિયાની લોન અને 30 ટકા સબસિડી અપાવવાનું કહી પ્રોસેસિંગ ફી તથા એડવાન્સ પેટે ટુકડે-ટુકડે કુલ 84,000 રૂપિયા રોકડા અને ઓનલાઇન મેળવી લીધા હતા. આટલેથી ન અટકતાં તેણે ફરિયાદીનું HDFC બેંકનું ક્રેડિટ કાર્ડ મેળવી તેમાંથી 20,000 રૂપિયા અને 27,000 રૂપિયા ઉપાડી લીધા હતા. ત્યારબાદ 82,900 રૂપિયાની કિંમતનો આઈફોન-17 મોબાઈલ ખરીદાવી લીધો હતો અને 12 ફેબ્રુઆરીના રોજ તે જ ક્રેડિટ કાર્ડમાંથી વધુ 10,000 રૂપિયા વાપરી નાખ્યા હતા.
વેપારી ઉપરાંત આરોપી નિલેશ પટેલે અન્ય 6 લોકોને પણ લોન અપાવવાની લાલચ આપી વિશ્વાસઘાત આચરી કુલ 1,94,400 રૂપિયા પડાવ્યા હતા. આમ, ફરિયાદી અને સાહેદો પાસેથી કુલ 3,61,300 રૂપિયાની માતબર રકમ એકત્ર કરી આરોપી અચાનક ગાયબ થઈ ગયો હતો. તેનો મોબાઈલ ફોન સતત બંધ આવતો હતો અને તે જે ભાડાના મકાનમાં રહેતો હતો તે પણ રાતોરાત ખાલી કરીને ભાગી ગયો હતો. શોધખોળ બાદ પણ પત્તો ન લાગતાં છેવટે ભોગ બનનાર વેપારીએ ફતેગંજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.


