- એક ફૂટ ગોળાકારનો ભૂવો અંદરથી ૧૦ ફૂટ ઊંડો અને 5 ફૂટ પહોળો હોવાનું જણાયું
- ભૂવાને કારણે વાહનચાલકો માટે અકસ્માતનું જોખમ વધ્યું, સામાજિક કાર્યકરે ઝાડની ડાળીઓ મૂકી
મુજમહુડા વિસ્તારમાં શિવાજી ચોક પાસે મુખ્ય માર્ગ પર આજે વધુ એક ભૂવો પડતાં મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરી સામે સવાલો ઊભા થયા છે.

માર્ગ પર ભૂવો પડતાં વાહનચાલકો માટે અકસ્માતનું જોખમ ઊભું થયું હતું. ભૂવો દેખાઈ આવે તે માટે સામાજિક કાર્યકરે તેમાં ઝાડની ડાળીઓ મૂકી વાહનચાલકોને સાવચેત કર્યા હતા. એક ફૂટ ગોળાકારનો ભૂવો અંદરથી ૧૦ ફૂટ ઊંડો અને પાંચ ફૂટ પહોળો હોવાનું જણાયું હતું.
સામાજિક કાર્યકરે કહ્યું કે આ જ સ્થળે અગાઉ ત્રણ વખત સમારકામ કરાયું છે છતાં ફરી ભૂવો પડયો છે. સત્તાધીશો માર્ગ જૂનો હોવાનું કારણ આગળ ધરે છે, પરંતુ પેચવર્કના બહાને ભ્રષ્ટાચાર ચાલી રહ્યો હોવાની સમસ્યા ભૂવો પડવા માટે કારણરૂપ છે. માર્ગ પર વારંવાર પેચવર્કથી માર્ગની સપાટી સતત ઊંચી થતી જાય છે. પરિણામે કેટલાક સ્થળોએ સોસાયટીના લેવલ કરતાં રસ્તાનું લેવલ ઊંચું થઈ જતાં હવે ચોમાસામાં વરસાદી પાણીના નિકાલની નવી સમસ્યા સર્જાઈ રહી છે.
ઉલ્લેખનીય છે કે બે દિવસ અગાઉ નટુભાઈ સર્કલ પાસે પણ મુખ્ય માર્ગ પર ભૂવો પડયો હતો, જેના કારણે વાહનચાલકોને પરેશાનીનો સામનો કરવો પડયો હતો. શહેરમાં છાસવારે માર્ગો પર ભુવા પડવાની ઘટનાઓ માર્ગના સમારકામની ગુણવત્તા સામે સવાલો ઊભા કરે છે.


